ન્યૂ ચંડીગઢમાં શનિવારે રમાયેલી ત્રીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 5 વિકેટે હરાવ્યું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 351 રન બનાવ્યા હતા, પણ તે રન બચાવી શક્યું નહીં. વેસ્ટ ઈન્ડિઝે 48.2 ઓવરમાં 352 રનનું લક્ષ્ય પૂરું કર્યું. વનડેમાં વેસ્ટ ઈન્ડિઝનો આ સૌથી મોટો સફળ રનચેઝ છે.
ભારત 350થી વધુ રન બનાવીને ત્રીજી વખત હાર્યું છે. આ પહેલાં 2019માં ઓસ્ટ્રેલિયા સામે અને 2025માં દક્ષિણ આફ્રિકા સામે આવું બન્યું હતું.
રોહિત શર્માએ ઓપનર તરીકે 10 હજાર વનડે રન પૂરા કર્યા. તેઓ આ સિદ્ધિ મેળવનારા ચોથા બેટ્સમેન છે. તેમના પહેલાં સચિન તેંડુલકર, સનથ જયસૂર્યા અને ક્રિસ ગેલ આ મુકામે પહોંચ્યા હતા. રોહિતે આ સિદ્ધિ માત્ર 202 ઇનિંગ્સમાં મેળવી, જ્યારે સચિનને 214 ઇનિંગ્સ લાગી હતી.
રોહિતે ઋતુરાજ ગાયકવાડ સાથે ત્રીજી વિકેટ માટે 137 રનની ભાગીદારી કરી. તેઓ 75મી વખત 100થી વધુ રનની ભાગીદારીમાં સામેલ થયા. સૌથી વધુ સદીની ભાગીદારીમાં તેઓ ત્રીજા ક્રમે છે.
ભારતે આ સિરીઝમાં 7.43ના રન રેટથી બેટિંગ કરી. આ 3 કે તેથી વધુ મેચવાળી દ્વિપક્ષીય વનડે સિરીઝમાં સૌથી વધુ રન રેટ છે. બીજા ક્રમે ઈંગ્લેન્ડ છે, જેણે 2015માં ન્યૂઝીલેન્ડ સામે 7.15ના રન રેટથી બેટિંગ કરી હતી.
ભારતે 45મી વખત વનડેમાં 350થી વધુનો સ્કોર બનાવ્યો. દક્ષિણ આફ્રિકા 36 વખત સાથે બીજા ક્રમે છે. ભારતે આ સિરીઝમાં 45 છગ્ગા ફટકાર્યા, જે ત્રણ મેચની દ્વિપક્ષીય વનડે સિરીઝમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી વધુ છે. આ પહેલાં ઈંગ્લેન્ડે 2021માં ત્રણ મેચમાં ભારત સામે 37 છગ્ગા ફટકાર્યા હતા.
કોઈપણ દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ભારત ઈંગ્લેન્ડ સાથે ચોથા સ્થાને છે.
વિરાટ કોહલીને વનડેમાં પ્રથમ બોલે આઉટ કરનાર જેડન સીલ્સ ચોથો બોલર બન્યો. આ યાદીમાં 3 વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ છે.
નૂર બરારે આ સિરીઝની ત્રણ વનડે ઇનિંગ્સમાં 253 રન આપ્યા. તેઓ સતત ત્રણ વનડેમાં સૌથી વધુ રન આપનાર બોલર બન્યા છે.
રાહુલે નંબર-5 પર બેટિંગ કરતાં અણનમ 129 રન બનાવ્યા. ભારત માટે નંબર-5 પર આ ત્રીજી સૌથી મોટી ઇનિંગ્સ છે.
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ન્યૂ ચંડીગઢમાં અણનમ 162 રન બનાવ્યા. ભારત સામે વનડેમાં રનચેઝ કરતી વખતે રમાયેલી આ સૌથી મોટી ઇનિંગ છે. તેમણે શ્રીલંકાના તિલકરત્ને દિલશાનને પાછળ ધકેલી દીધા.
હોપે વનડેમાં વિકેટકીપર-કપ્તાન તરીકે આઠમી સદી ફટકારી. આ મામલે તેઓ પહેલેથી ટોચ પર છે. તેમણે 53 મેચોમાં 8 સદી ફટકારી છે. એમએસ ધોની 6 સદી સાથે બીજા ક્રમે છે.
હોપે ભારતમાં ભારત સામે ચોથી વનડે સદી ફટકારી. તેઓ ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલ સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે.
વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન અમીર જાંગૂએ આ સિરીઝની ત્રણેય ઇનિંગ્સમાં 50થી વધુનો સ્કોર બનાવ્યો. તેઓ આ સિદ્ધિ મેળવનારા પાંચમા બેટ્સમેન છે.