સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત-વેસ્ટ ઇન્ડીઝ પહેલી વન-ડે આજે તિરુવનંતપુરમમાં, કોહલી 15,000 રનની નજીક

ભારત-વેસ્ટ ઇન્ડીઝ પહેલી વન-ડે આજે તિરુવનંતપુરમમાં, કોહલી 15,000 રનની નજીક

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝને 2027 વર્લ્ડ કપની તૈયારીના પહેલા પગલા તરીકે જોવામાં આવી રહી છે.

ભારતીય ટીમની કમાન શુભમન ગિલના હાથમાં રહેશે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝની કેપ્ટનશીપ શાઈ હોપ કરશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓ ફરી એકવાર મેદાન પર દેખાશે.

શ્રેયસ અય્યર આ સિરીઝનો હિસ્સો નથી, તેથી પહેલી વન-ડેમાં તેની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને તક મળવાની શક્યતા છે. સ્પિન બોલિંગની જવાબદારી રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સંભાળી શકે છે, જ્યારે ફાસ્ટ બોલિંગની આગેવાની મોહમ્મદ સિરાજ કરતા જોવા મળી શકે છે.

હેડ-ટુ-હેડ આંકડા

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વન-ડે ક્રિકેટમાં અત્યાર સુધી 142 મેચ રમાઈ છે. ભારતે 72 મેચ જીતી છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝે 64 મેચમાં જીત મેળવી છે. 4 મેચનું પરિણામ આવ્યું નથી અને 2 મેચ ટાઈ થઈ છે. છેલ્લી પાંચ વન-ડેમાં ભારતે ચાર મેચ જીતી છે, વેસ્ટ ઇન્ડીઝને એક મેચમાં સફળતા મળી છે.

ખેલાડીઓનું ફોર્મ

કેપ્ટન શુભમન ગિલે છેલ્લી 9 મેચમાં 93.5ની એવરેજથી 561 રન બનાવ્યા છે. રોહિત શર્માએ છેલ્લી 10 મેચમાં 45.4ની એવરેજથી 454 રન ફટકાર્યા છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ છેલ્લી 8 મેચમાં 17 વિકેટ ઝડપી છે.

વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઈ હોપે છેલ્લી 10 મેચમાં 51.57ની એવરેજથી 361 રન બનાવ્યા છે. બોલિંગમાં ફોર્ડે છેલ્લી 7 મેચમાં 5.14ના ઇકોનોમી રેટથી 10 વિકેટ લીધી છે, જ્યારે સીલ્સે છેલ્લી 6 મેચમાં 10 વિકેટ ઝડપી છે.

તિરુવનંતપુરમમાં કોહલીનો રેકોર્ડ

વિરાટ કોહલીએ તિરુવનંતપુરમમાં 2018માં વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાની વન-ડે કારકિર્દીની પહેલી મેચ રમી હતી. તે મેચમાં તે અણનમ 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝની ટીમ 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 15મી ઓવરમાં જ લક્ષ્ય પૂરું કરી લીધું હતું.

2023માં શ્રીલંકા સામે આ જ મેદાન પર કોહલીને કોઈ બોલર આઉટ કરી શક્યો નહતો. ભારતે 391 રનનો ટાર્ગેટ મૂક્યો હતો, જેમાં કોહલીએ 166 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ હતા. આ મેચમાં શુભમન ગિલે પણ સદી ફટકારી હતી.

કોહલી અને રોહિતના સંભવિત રેકોર્ડ

વિરાટ કોહલી 15,000 વન-ડે રનથી માત્ર 59 રન દૂર છે. આ આંકડો પાર કરનારો તે સચિન તેંડુલકર પછી દુનિયાનો બીજો બેટર બનશે.

રોહિત શર્મા 12,000 વન-ડે રન પૂરા કરવાથી 105 રન દૂર છે. ઓપનિંગ બેટર તરીકે 10,000 રન પૂરા કરવા માટે તેને 135 રનની જરૂર છે. આ સિદ્ધિ મેળવનારો તે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને સનથ જયસૂર્યા પછી ચોથો ઓપનર બનશે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 2,000 ચોગ્ગા પૂરા કરવાથી તે માત્ર 18 ચોગ્ગા દૂર છે.

પીચનો મિજાજ

ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ પર શરૂઆતની ઓવરોમાં ફાસ્ટ બોલરોને સીમ અને સ્વિંગથી મદદ મળી શકે છે. બેટર્સ માટે શરૂઆતમાં સંભાળીને રમવું જરૂરી રહેશે. મેચ આગળ વધવાની સાથે બેટિંગ સરળ થઈ શકે છે. આ મેદાન પર પહેલાં પણ મોટા સ્કોર જોવા મળ્યા છે, તેથી ટૉસ જીતનારી ટીમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે.

હવામાનની સ્થિતિ

એક્યુવેધર અનુસાર, તિરુવનંતપુરમમાં હવામાન પૂરી રીતે સાફ નહીં રહે. અહીં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની ધારણા છે. વરસાદની 51% સંભાવના છે, જેનાથી મેચમાં ખલેલ પડી શકે છે.

સંભવિત પ્લેઇંગ-11

ભારત: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ગરનૂર બરાર અને પ્રસિદ્ધ કૃષ્ણા.

વેસ્ટ ઇન્ડીઝ: શાઈ હોપ (કેપ્ટન), જોન કેમ્પબેલ અન્ય ખેલાડીઓ સાથે ટીમમાં સ્થાન મેળવી શકે છે.