સત્ય. સાહસ. સંકલ્પ.

હૈદરાબાદમાં આજે ભારત-વેસ્ટ ઇન્ડીઝ ચોથી T20: વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂની તક શક્ય

હૈદરાબાદમાં આજે ભારત-વેસ્ટ ઇન્ડીઝ ચોથી T20: વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂની તક શક્ય

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પાંચ મેચની T20 સિરીઝની ચોથી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં બરાબરી લાવવા મેદાનમાં ઉતરશે.

ટીમ ઇન્ડિયાએ હૈદરાબાદમાં અત્યાર સુધી રમાયેલા ત્રણેય T20 મુકાબલા જીત્યા છે. 2024માં બાંગ્લાદેશ સામે આ જ મેદાન પર ભારતે 297 રન બનાવ્યા હતા, જે T20 ઇન્ટરનેશનલમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર છે.

આ પ્રવાસની અત્યાર સુધીની 6 મેચમાં (3 વન-ડે અને 3 T20) માત્ર એક જ મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમ ટાર્ગેટ ડિફેન્ડ કરી શકી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 34 T20 ઇન્ટરનેશનલ રમાયા છે, જેમાં ભારતે 22 અને વેસ્ટ ઇન્ડીઝે 11 જીત્યા છે, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નથી.

વૈભવને પહેલીવાર ભારતમાં ઇન્ટરનેશનલ મેચ રમવાની તક શક્ય

પાછલી મેચમાં મળેલી જીત છતાં ભારતીય ટીમ પ્લેઇંગ-11માં એક બદલાવ કરી શકે છે. સંજુ સેમસનના સ્થાને વૈભવ સૂર્યવંશીને તક મળી શકે છે. વૈભવને આજે Playing XIમાં સ્થાન મળે તો તે ભારતમાં પહેલીવાર ઇન્ટરનેશનલ મેચ રમશે.

સિરીઝના ટોપ પરફોર્મર

ભારત તરફથી શ્રેયસ અય્યરે 3 મેચમાં 226.98ના સ્ટ્રાઇક રેટથી 143 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 102 રન રહ્યો છે. બોલિંગમાં નમન ધીરે 3 મેચમાં 5 વિકેટ લીધી છે; તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 31 રન આપીને 3 વિકેટ રહ્યું છે. નમને તેની બધી વિકેટ છગ્ગો પડ્યા પછીના બોલ પર લીધી છે.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી શેરફેન રધરફોર્ડે 3 મેચમાં 189.01ના સ્ટ્રાઇક રેટથી 172 રન બનાવ્યા છે અને તે સિરીઝનો ટોપ રન સ્કોરર છે. બોલિંગમાં રોસ્ટન ચેઝે 3 મેચમાં 6 વિકેટ લીધી છે અને તે સિરીઝનો ટોપ વિકેટ ટેકર છે.

પીચ અને હવામાન

હૈદરાબાદની પીચ તાજેતરમાં ફરી તૈયાર કરવામાં આવી છે, છતાં અહીં મોટા સ્કોરની અપેક્ષા છે. છેલ્લા બે વર્ષમાં આ મેદાન પર 310, 297, 286 અને 277 રનના સ્કોર બન્યા છે. ભારતમાં T20 ક્રિકેટના ટોચના-8 સ્કોરમાંથી 4 આ મેદાન પર બન્યા છે. ઝાકળ પડવાથી બેટર્સને વધુ મદદ મળી શકે છે. એક્યુવેધર મુજબ, બુધવારે હૈદરાબાદમાં વરસાદની સંભાવના નહિવત છે; મહત્તમ તાપમાન આશરે 34 અને લઘુત્તમ 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

સંભવિત પ્લેઇંગ-11

ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર) / વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નિતિશ રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, મયંક યાદવ, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ.

વેસ્ટ ઇન્ડીઝ: શાઈ હોપ (કેપ્ટન/વિકેટકીપર), કામિલ પૂરન, શિમરોન હેટમાયર, રોવમેન પાવેલ, શેરફેન રધરફોર્ડ, ક્વેન્ટિન સેમ્પસન, કીમો પૌલ, રોસ્ટન ચેઝ, શમાર સ્પ્રિંગર, શમાર જોસેફ અને ગુડાકેશ મોતી.