ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસની સૌથી રોમાંચક અને રેકોર્ડબ્રેક મેચ સાબિત થઈ છે. પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 7 વિકેટે 405 રનનો વિશાળ સ્કોર ખડકીને ભારત સામે પોતાનો સર્વોચ્ચ વન-ડે સ્કોર બનાવ્યો હતો. જોકે, ભારતીય ટીમે 406 રનના વિશાળ લક્ષ્યાંક સામે વળતો પ્રહાર કરતાં માત્ર 43.3 ઓવરમાં 2 વિકેટના નુકસાને 406 રન બનાવી 8 વિકેટે યાદગાર અને ઐતિહાસિક વિજય મેળવી લીધો છે. કેપ્ટન શુભમન ગિલની અણનમ 223 રનની તોફાની બેવડી સદી અને રોહિત શર્માની શાનદાર સદીએ ભારતીય ટીમને વિજયની સીમારેખા પાર કરાવી દીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝના 406 રનના લક્ષ્યાંક સામે ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતને તોફાની શરૂઆત અપાવીને પ્રથમ વિકેટ માટે 255 રનની વિશાળ ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્મા 75 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 101 રન ફટકારી આઉટ થયો હતો. ત્યારબાદ આવેલા વિરાટ કોહલીએ 19 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 29 રન ફટકાર્યા હતા. બીજી તરફ કેપ્ટન શુભમન ગિલે આક્રમક બેટિંગ ચાલુ રાખીને માત્ર 133 બોલમાં 26 ચોગ્ગા અને 8 છગ્ગાની રમઝટ સાથે અણનમ 223 રનની અદ્ભુત ઇનિંગ્સ રમી હતી. તેને મજબૂત સાથ આપતા ઋતુરાજ ગાયકવાડે 37 બોલમાં 2 ચોગ્ગા સાથે અણનમ 31 રન બનાવીને ભારતને 39 બોલ બાકી રહેતાં જ 43.3 ઓવરમાં જીત અપાવી દીધી હતી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી આ મેચમાં બંને ટીમો તરફથી કુલ 5 સદી નોંધાતા વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં નવો રેકોર્ડ નોંધાયો છે. પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી જ્હોન કેમ્પબેલ, શાઈ હોપ અને અમીર જાંગૂએ સદી ફટકારી હતી, જેના જવાબમાં ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલે સદી ફટકારી. આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં પ્રથમ વખત એક જ મેચમાં 5 સદીઓ જોવા મળી છે. અગાઉ એક જ વન-ડે મેચમાં મહત્તમ 4 સદી નોંધાયાની ઘટના માત્ર ત્રણ વખત (1998માં લાહોર ખાતે પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા, 2013માં નાગપુર ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા અને 2023માં હૈદરાબાદ ખાતે પાકિસ્તાન-શ્રીલંકા) બની હતી.
કેપ્ટન શુભમન ગિલે અણનમ 223 રન બનાવીને વન-ડે ઇતિહાસમાં ટાર્ગેટનો પીછો કરતી વખતે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ગિલે ગ્લેન મેક્સવેલના અણનમ 201 રનના રેકોર્ડને પાછળ છોડી દીધો છે, જે તેણે 2023માં અફઘાનિસ્તાન સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બનાવ્યો હતો. ગિલે વન-ડે કરિયરની પોતાની બીજી બેવડી સદી માત્ર 117 બોલમાં પૂરી કરીને વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરી ફટકારવાનો ઈશાન કિશનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઈશાન કિશને 2022માં બાંગ્લાદેશ સામે 126 બોલમાં બેવડી સદી ફટકારી હતી. આ સાથે ગિલ રોહિત શર્મા પછી વન-ડેમાં એકથી વધુ બેવડી સદી ફટકારનારો વિશ્વનો માત્ર બીજો બેટર બની ગયો છે.
ભારતીય ટીમે માત્ર 29.1 ઓવરમાં 300 રન પૂરા કરીને વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી ઝડપી 300 રન બનાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અગાઉ આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના નામે હતો, જેણે 2006માં ઓસ્ટ્રેલિયા સામે 32.2 ઓવરમાં 300 રન બનાવ્યા હતા. ગિલે માત્ર 89 બોલમાં પોતાના 150 રન પૂરા કર્યા હતા અને ભારત માટે વન-ડેમાં સૌથી ઝડપી 150 રન બનાવનારો બેટર બન્યો હતો. તેણે ઈશાન કિશનનો 103 બોલનો રેકોર્ડ તોડ્યો.