સત્ય. સાહસ. સંકલ્પ.

આવતીકાલે 20 રાજ્યોમાં વરસાડ, દક્ષિણમાં ભારે વરસાદનું એલર્ટ

આવતીકાલે 20 રાજ્યોમાં વરસાડ, દક્ષિણમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં હાલ ઋતુ બદલાઈ રહી છે. ચોમાસું પૂરું થવાની સાથે શિયાળાનો પ્રારંભ થઈ રહ્યો છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ અને પૂર્વોત્તર ભારત સુધી વાતાવરણ ઝડપથી બદલાઈ રહ્યું છે. કેટલાક રાજ્યોમાં વરસાદના કારણે તાપમાન ઘટ્યું છે, જેથી લોકોને વહેલી સવારે અને મોડી સાંજે હળવી ઠંડી અનુભવાય છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા બુલેટિન મુજબ, આવતીકાલે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ દેશના 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરાઈ છે.

દિલ્હી-NCRમાં છેલ્લા કેટલાક દિવસથી પડતી ગરમી અને ભેજમાંથી લોકોને રાહત મળી છે. પર્વતીય પ્રદેશોમાં થયેલી હિમવર્ષાની અસર હવે મેદાની વિસ્તારોમાં વર્તાઈ રહી છે. ઠંડા પવનોના કારણે તાપમાન ઘટ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે દિલ્હીમાં હવામાન ખુશનુમા રહેશે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આકાશ આંશિક વાદળછાયું રહેશે અને અમુક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે.

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પશ્ચિમી વિક્ષોભના કારણે વાદળો છવાયેલા છે અને વરસાદ ચાલુ છે. હવામાન વિભાગ મુજબ, આવતીકાલે પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે. જોકે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદનું જોર ઘટશે અને ત્યાં મોટાભાગે હવામાન સૂકું રહેશે. આ વરસાદથી ખેતીના પાકને ફાયદો થશે અને વાતાવરણમાં ઠંડક પ્રસરશે.

રાજસ્થાનમાં સક્રિય થયેલો પશ્ચિમી વિક્ષોભ હવે નબળો પડી રહ્યો છે, જેથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આવતીકાલે પૂર્વી રાજસ્થાનના અમુક વિસ્તારોમાં છૂટાછવાયો હળવો વરસાદ થઈ શકે છે, પરંતુ આગામી સપ્તાહ દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. ઓક્ટોબરની શરૂઆત સાથે તાપમાનમાં ફરી થોડો વધારો થઈ શકે છે. 1 ઓક્ટોબરથી 4 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24થી 25 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

હવામાન વિભાગે દક્ષિણ ભારતના રાજ્યો માટે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. દરિયાકાંઠાના ભેજવાળા પવનો અને સ્થાનિક સિસ્ટમના કારણે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ રાજ્યોના નીચાણવાળા વિસ્તારો અને ઘાટ સેક્ટરમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા વહીવટીતંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

એકંદરે, આવતીકાલે દેશભરમાં એક તરફ વરસાદી માહોલ તો બીજી તરફ વહેલી શિયાળુ ઠંડકની મિશ્ર અસર જોવા મળશે.