સત્ય. સાહસ. સંકલ્પ.

17 વર્ષ બાદ દેશમાં દુષ્કાળનો ભય, ચોમાસું 15% નબળું

17 વર્ષ બાદ દેશમાં દુષ્કાળનો ભય, ચોમાસું 15% નબળું

દેશમાં 2026નું ચોમાસું છેલ્લા 17 વર્ષમાં સૌથી નબળું રહેવાની શક્યતા છે. 1 જૂનથી 19 સપ્ટેમ્બર વચ્ચે દેશમાં સામાન્ય કરતાં લગભગ 15 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ સમયગાળામાં સામાન્ય રીતે 32.68 ઇંચ વરસાદ પડે છે, પણ આ વર્ષે માત્ર 27.84 ઇંચ વરસાદ થયો છે. ઓછા વરસાદ પાછળ અલ નીનોની અસરને મુખ્ય કારણ માનવામાં આવે છે. હવે ચોમાસું પાછું ખેંચાવાનું શરૂ થઈ ગયું છે, જેનાથી વરસાદની ખોટ પૂરી થવાની શક્યતા ઘટી છે.

દેશના 45 ટકા જિલ્લાઓમાં વરસાદનો ક્વોટો પૂરો નથી થયો. દક્ષિણ ભારતમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. આંધ્રપ્રદેશમાં 43 ટકા, મેઘાલયમાં 59 ટકા, મણિપુરમાં 43 ટકા, પુડુચેરીમાં 42 ટકા અને અરુણાચલ પ્રદેશમાં 41 ટકા વરસાદ ઓછો રહ્યો છે. પંજાબમાં 39 ટકા, બિહારમાં 36 ટકા, ગોવામાં 35 ટકા, કર્ણાટકમાં 31 ટકા અને લક્ષદ્વીપમાં 29 ટકા વરસાદની ઘટ છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દેશ 21 ટકા ઓછો ભીંજાયો છે.

ઓછા વરસાદની સૌથી મોટી અસર કૃષિ ક્ષેત્ર પર પડી શકે છે. ખરીફ પાકનું વાવેતર ગયા વર્ષ કરતાં 1.6 ટકા ઘટ્યું છે. ઉત્પાદન ઘટે તો અનાજ, કઠોળ અને શાકભાજીના ભાવ વધવાનું દબાણ ઊભું થઈ શકે છે. ખેડૂતોની આવકમાં પણ 10 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. જળાશયોમાં પાણી ઘટવાથી આગામી રવિ સિઝનના વાવેતર પર પણ અસર પડી શકે છે.

હવે ચોમાસું રાજસ્થાનથી પાછું ખેંચાવાનું શરૂ થયું છે. આગામી સમયમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ચોમાસું નબળું પડવાની શક્યતા છે. વરસાદના દિવસો ઘટતાં જે વિસ્તારોમાં ખોટ છે ત્યાં તે પૂરી થવી મુશ્કેલ બની શકે છે. જળાશયોમાં પાણીની સ્થિતિ, ખરીફ પાકનું ઉત્પાદન અને મોંઘવારી પર સૌની નજર રહેશે.