સત્ય. સાહસ. સંકલ્પ.

રશિયન સેનામાં જોડાવાની ભારતીયોને ચેતવણી: વિદેશ મંત્રાલયે કહ્યું 'જોખમી અને જીવલેણ માર્ગ'

રશિયન સેનામાં જોડાવાની ભારતીયોને ચેતવણી: વિદેશ મંત્રાલયે કહ્યું 'જોખમી અને જીવલેણ માર્ગ'

રશિયન સેનામાં ભારતીય નાગરિકોની ભરતી થઈ રહી હોવાના અહેવાલો વચ્ચે ભારત સરકારે ફરી એક વાર કડક ચેતવણી જારી કરી છે. વિદેશ મંત્રાલયે 30 સપ્ટેમ્બરે એડવાઇઝરી બહાર પાડીને ભારતીયોને રશિયન સેનામાં જોડાવાની સલાહ સામે ચેતવ્યા છે અને આ માર્ગને ‘જોખમી અને જીવલેણ’ ગણાવ્યો છે.

મંત્રાલયના નિવેદન મુજબ, છેલ્લા બે વર્ષમાં સરકારે અનેક વખત ભારતીય નાગરિકોને રશિયન સેનામાં થઈ રહેલી ભરતી સાથે સંકળાયેલા ગંભીર જોખમો અંગે ચેતવણી આપી છે. વિદેશમાં રોજગારીની તકો શોધતી વખતે અત્યંત સાવચેતી રાખવા અને વેરિફાઇડ ન હોય તેવા એજન્ટો કે બિનસરકારી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી નોકરીની ઓફરથી સાવધ રહેવાની સલાહ પણ અપાઈ છે.

મંત્રાલયે કહ્યું, “એવા અનેક કિસ્સાઓ અમારા ધ્યાનમાં આવ્યા છે, જેમાં કેટલાક લોકો રશિયન સશસ્ત્ર દળોમાં જોડાવા માટે સ્વેચ્છાએ ઓફર શોધી રહ્યા છે. તેઓ એવી સમજ ધરાવતા હોય છે કે તેમને આ સાથે આર્થિક લાભ મળશે અને બાદમાં ભારત સરકારનો સંપર્ક કરીને રશિયન સેનામાંથી મુક્તિ મેળવી શકાશે. ફરી એક વાર સ્પષ્ટ કરવામાં આવે છે કે આ એક જોખમી માર્ગ છે અને સરકાર સખતપણે આવા પગલાં ન ભરવાની સલાહ આપે છે.”

નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “એવા અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેમાં લોકોએ સ્વેચ્છાએ પોતાની ભારતીય નાગરિકતા છોડવા, રશિયન પાસપોર્ટ મેળવવા અને ત્યારબાદ રશિયન સેનામાં ભરતી થવા માટે ભારતીય અધિકારીઓનો સંપર્ક કર્યો છે. કેટલાક લોકોએ તો ટૂંકા ગાળાના આર્થિક લાભની લાલચમાં આવીને ભારતીય અધિકારીઓની સલાહ લીધા વિના જ આવું પગલું ભર્યું છે. લોકોને આવા પગલાંની ગંભીરતા સમજવા અને તેઓ પોતાને જે જીવલેણ જોખમમાં મૂકી રહ્યા છે તે અંગે વિચાર કરવાની સલાહ આપવામાં આવે છે. સરકાર ભારતીય નાગરિકોને આવા પગલાંથી દૂર રહેવાની સલાહ આપે છે.”

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે રશિયન સશસ્ત્ર દળોમાં સેવા આપી રહેલાં તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા તથા તેમને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લાવવા માટે ભારત સરકાર રશિયન પક્ષ સાથે સતત સંપર્કમાં છે.