સત્ય. સાહસ. સંકલ્પ.

IND vs WI ત્રીજી વનડે: 4/2 પરથી 351 સુધી, રાહુલની 129 રનની તોફાની ઇનિંગ

IND vs WI ત્રીજી વનડે: 4/2 પરથી 351 સુધી, રાહુલની 129 રનની તોફાની ઇનિંગ

ન્યૂ ચંદીગઢ ખાતે રમાયેલી ત્રીજી વનડેમાં ભારતીય ટીમે શરૂઆતના આંચકા પછી ઉભરીને વેસ્ટ ઈન્ડિઝ સામે 7 વિકેટે 351 રન બનાવ્યા છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ભારતની શરૂઆત ખરાબ રહી હતી. માત્ર 4 રનના સ્કોર પર ટીમે પોતાની બંને મુખ્ય વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મધ્યમ ક્રમના બેટ્સમેનોએ લડાયક બેટિંગ કરીને વેસ્ટ ઈન્ડિઝ સામે જીત માટે 352 રનનો લક્ષ્યાંક ખડક્યો છે.

ભારત માટે ઇનિંગ્સની શરૂઆત નિરાશાજનક રહી. કેપ્ટન શુભમન ગિલ માત્ર 1 રન બનાવીને 3 રનના સ્કોરે આઉટ થયો હતો. તે પછી ક્રિઝ પર આવેલા વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના બીજા જ બોલ પર ગોલ્ડન ડક થઈને પેવેલિયન ભેગા થયા હતા. વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલર જેડેન સીલ્સે આ બંને વિકેટ ઝડપીને સ્કોર 4 રનમાં 2 વિકેટ કરી નાખ્યો હતો.

શરૂઆતી પતન બાદ પીઢ ઓપનર રોહિત શર્માએ ઇનિંગ્સ સંભાળવાની જવાબદારી લીધી. રોહિતે આક્રમક બેટિંગ કરીને 85 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 92 રન બનાવ્યા હતા. તેને સાથ આપતાં રુતુરાજ ગાયકવાડે પણ સંયમિત બેટિંગ કરીને 57 રન બનાવ્યા હતા. આ બંને વચ્ચેની ભાગીદારીએ ભારતીય દાવને સ્થિરતા આપીને મુલાકાતી ટીમ પર દબાણ વધાર્યું હતું. ત્યારબાદ નમન ધીરે 30 રનનું ઉપયોગી યોગદાન આપીને સ્કોરબોર્ડ ગતિમાન રાખ્યું હતું.

આ શ્રેણીમાં પ્રથમ વખત પ્લેઇંગ 11માં પાછા ફરેલા કેએલ રાહુલે 5મા ક્રમે આવીને મેદાનની ચારેય તરફ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. રાહુલે માત્ર 80 બોલમાં એક ગગનચુંબી છગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. ડેથ ઓવર્સમાં તેમણે તોફાની બેટિંગ કરીને માત્ર 87 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 129 રન ફટકાર્યા હતા. રાહુલના આ આક્રમણને કારણે ભારત 50 ઓવરમાં 350 રનનો આંકડો વટાવી શક્યું હતું.

વેસ્ટ ઈન્ડિઝ તરફથી બોલિંગનું નેતૃત્વ જેડેન સીલ્સે કર્યું હતું, જેણે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. કીમો પોલે રોહિત શર્મા સહિત 2 વિકેટ લીધી હતી, જ્યારે ગુડાકેશ મોતીને 1 સફળતા મળી હતી. ભારતીય ટીમ શ્રેણી પહેલેથી જ જીતી ચૂકી હોવા છતાં, બેટિંગ લાઇનઅપે મજબૂત મનોબળ દાખવીને મેચ પર પકડ બનાવી લીધી છે. હવે વેસ્ટ ઈન્ડિઝ સામે 352 રનનો કઠિન લક્ષ્યાંક છે.