નવી દિલ્હી: અમેરિકાએ ભારતને ખાતરી આપી છે કે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (બીટીએ) હેઠળ તે ભારત પર અન્ય દેશોની તુલનાએ ઓછો ટેરિફ લગાવશે. વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે બંને દેશ વચ્ચેનો વેપાર કરાર નજીકના ભવિષ્યમાં થઈ જશે અને વેપાર સમજૂતી સાથે સંબંધિત મોટાભાગના મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે.
જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ભારતને મળનારો આ લાભ અંતિમ ટેરિફ માળખા પર નિર્ભર રહેશે. હાલમાં બંને દેશો વેપાર સમજૂતીના પ્રથમ તબક્કા અને સંપૂર્ણ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવા માટે વાતચીત કરી રહ્યા છે. ભારતની નજર અંતિમ ટેરિફ માળખા પર છે, જે નક્કી થયા પછી જ ભારત પર અન્ય દેશો કરતાં ઓછો ટેરિફ લાગશે તે સ્પષ્ટ થશે.
સરકારી અધિકારીએ જણાવ્યું કે ભારત વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં વેપાર સમજૂતીનો પ્રથમ તબક્કો પૂરો કરવા માંગે છે. તેથી બંને દેશો એક સાથે બે સ્તરે વાતચીત કરી રહ્યા છે: એક તરફ પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા પર ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ વેપાર સમજૂતીના બાકી મુદ્દાઓ પર પણ ચર્ચા ચાલી રહી છે.
આ ઉપરાંત, ભારત સામે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવની કાર્યવાહીનું અંતિમ પરિણામ પણ આવવાનું બાકી છે. આથી ટેરિફને લઈને અંતિમ સ્થિતિ આ તપાસના પરિણામ અને બંને દેશો વચ્ચે નક્કી થનારી શરતો પછી જ સ્પષ્ટ થશે.