સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકા-ભારત ટ્રેડ ડીલ: વાટાઘાટો લગભગ અટકી, નિર્મલા સીતારમણે કહ્યું- હવે વધુ છૂટછાટની શક્યતા ઓછી

અમેરિકા-ભારત ટ્રેડ ડીલ: વાટાઘાટો લગભગ અટકી, નિર્મલા સીતારમણે કહ્યું- હવે વધુ છૂટછાટની શક્યતા ઓછી

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ માટે ચાલી રહેલી વાટાઘાટો હાલ એવા તબક્કે પહોંચી છે, જ્યાં બંને દેશો માટે આગળ વધવું મુશ્કેલ બન્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે નવી દિલ્હીમાં ‘મ્યુનિક લીડર્સ મીટિંગ’માં જણાવ્યું કે બંને દેશો હવે એવા બિંદુએ છે, જ્યાં ભારત પણ વધુ છૂટછાટ આપવા તૈયાર નથી અને અમેરિકા પણ નથી. તેમણે કહ્યું કે જો વાટાઘાટો માટે કોઈ નવો રસ્તો કે તક મળે તો બંને દેશ ચર્ચા માટે તૈયાર છે.

વેપાર કરારમાં દરેક દેશ પોતાના ખેડૂતો, કંપનીઓ અને વેપારીઓને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માંગે છે. એક હદ પછી કોઈ પણ દેશ પોતાની શરતોથી પાછળ હટવા તૈયાર નથી હોતો. આનો અર્થ એ નથી કે ડીલ તૂટી ગઈ છે, પરંતુ હાલમાં તેની ગતિ ધીમી પડી છે. ડીલ ન થાય ત્યાં સુધી કરવેરા પહેલાં જેવા જ ચાલુ રહેશે.

અમેરિકા પોતાના વેપાર ખાધને ઘટાડવા માટે પ્રયાસ કરી રહ્યું છે. નાણામંત્રીએ જણાવ્યું કે બંને દેશો વચ્ચેના વેપારમાં હાલ ભારતને ફાયદો થઈ રહ્યો છે અને અમેરિકા આ અંતર ઘટાડવા માંગે છે. તેમણે ટેરિફ વધારવાના ઉપાય પર પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે સામાન્ય રીતે આવા મુદ્દા વાતચીતથી જ ઉકેલાય છે. ચીનનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે ચીન સાથેના વેપારમાં ભારતને ઘણું નુકસાન છે, પણ માત્ર ભારે ટેક્સ લગાવીને તેને ઠીક કરી શકાય નહીં; તેના માટે પરસ્પર વાતચીત અને લેવડદેવડનો માર્ગ અપનાવવો પડશે.

નિર્મલા સીતારમણે કહ્યું કે હાલ આંતરરાષ્ટ્રીય વેપારનું વાતાવરણ ખૂબ મુશ્કેલ છે. વિશ્વ વેપાર સંગઠન (WTO)ના નિયમોનું યોગ્ય પાલન થઈ રહ્યું નથી અને લગભગ દરેક દેશ તેમને તોડી રહ્યા છે. આ સ્થિતિમાં ભારતના વેપાર કરારોનો મુખ્ય હેતુ દેશના હિતોનું રક્ષણ કરવાનો છે.

અમેરિકન વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીરે તાજેતરમાં કહ્યું હતું કે ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં છે, પરંતુ તે તરત અમલમાં નહીં આવે. અટવાયેલા મુદ્દાઓ ઓળખી લેવાયા છે અને તેમને ઉકેલવા કામ ચાલી રહ્યું છે. કરાર અંગે અમેરિકન રાષ્ટ્રપતિ અને ભારતીય વડાપ્રધાન ટૂંક સમયમાં ફોન પર વાત કરી શકે છે.

વાટાઘાટો છેલ્લા 20 મહિનામાં ત્રણ વખત ટળી છે. ઓગસ્ટ 2025માં અમેરિકાએ નવી દિલ્હીમાં યોજાનારી બેઠક રદ કરી હતી, કારણ કે તે સમયે ભારતીય માલસામાન પર અમેરિકન ટેરિફ વધીને લગભગ 50% થઈ ગયો હતો. ફેબ્રુઆરી 2026માં નિયમો અને નીતિઓમાં ફેરફારને કારણે ભારતીય પ્રતિનિધિમંડળની અમેરિકા મુલાકાત મોકૂફ રાખવામાં આવી હતી. હાલ અમેરિકન વેપાર પ્રતિનિધિએ તાત્કાલિક કોઈ સમજૂતી કરવાનો ઇનકાર કર્યો છે.

નિષ્ણાતો માને છે કે માત્ર ટેરિફમાં મળેલી છૂટના ભરોસે ડીલ કરવી સુરક્ષિત નથી, કારણ કે અમેરિકન નિયમો હેઠળ આ છૂટને કોઈપણ સમયે ત્રણ અલગ-અલગ રીતે બદલી શકાય છે અથવા સમાપ્ત કરી શકાય છે. જ્યાં સુધી અમેરિકા સ્પષ્ટ માર્ગદર્શિકા, નક્કર વાટાઘાટો અને નીતિઓમાં સ્થિરતાની ખાતરી નહીં આપે, ત્યાં સુધી કાયમી સમજૂતી સુધી પહોંચવું મુશ્કેલ છે.