કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત-અમેરિકા વેપાર સમજૂતી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જો અમેરિકા ભારતના સ્પર્ધક દેશો – જેમ કે વિયેતનામ, બાંગ્લાદેશ અને ચીન – ની સરખામણીમાં ભારતને વધુ અનુકૂળ ટેરિફ દર આપશે, તો જ સમજૂતીને અંતિમ સ્વરૂપ અપાશે.
ગોયલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) અંગેના એક કાર્યક્રમમાં કહ્યું કે, 'જ્યારે અમેરિકા આપણા સ્પર્ધક દેશોની તુલનામાં ભારતને વધુ ટેરિફ આપવા તૈયાર થશે, ત્યારે અમે BTA (વેપાર કરાર) ને અંતિમ સ્વરૂપ આપીશું અને તેની સંપૂર્ણ વિગતો જાહેર કરીશું.' તેમણે ઉમેર્યું કે આ સમજૂતીથી સ્થાનિક વેપારીઓને નિકાસની મોટી તકો મળશે.
કેન્દ્રીય મંત્રીએ એમ પણ જણાવ્યું કે ભારત આગામી મહિનાઓ કે વર્ષોમાં કેનેડા, મેક્સિકો, ચિલી, મર્કોસુર, એસએસીયૂ, જીસીસી અને ઈઝરાયલ સાથે વેપાર સમજૂતી કરશે. મર્કોસુર દક્ષિણ અમેરિકાનું મુખ્ય પ્રાદેશિક આર્થિક અને વેપારી સંગઠન છે, જ્યારે એસએસીયૂ દક્ષિણ આફ્રિકી સીમા શુલ્ક સંઘ છે અને જીસીસી (ખાડી સહયોગ પરિષદ) માં પશ્ચિમ એશિયાના છ દેશો સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે 2 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે પીયૂષ ગોયલ આ મહિનાના અંતમાં અમેરિકાનો પ્રવાસ કરશે. તેઓ G20 વેપાર મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે અને ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર ચર્ચા કરશે. રાજદૂતે કહ્યું કે, બંને દેશો વેપાર સંબંધો મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે અને સમજૂતી અંગેની ચર્ચા સફળતાપૂર્વક આગળ વધી રહી છે.