અમેરિકી શ્રમ વિભાગે પર્મેનન્ટ લેબર સર્ટિફિકેશન (PERM) પ્રોગ્રામમાં ફેરફાર કરતાં ભારતે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે PERM એ H-1B વીઝા પ્રોગ્રામથી અલગ છે. PERM અરજીઓ સ્થગિત થવાથી હાલના H-1B વીઝા ધારકો અથવા તેમના આશ્રિતોની સ્થિતિ પર સીધી અસર થતી નથી. જોકે, અસરગ્રસ્ત કંપનીઓના કર્મચારીઓના ગ્રીન કાર્ડ (કાયમી નાગરિકતા) પ્રક્રિયા પર અસર પડી શકે છે.
વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે પ્રતિભાની આપ-લે (Talent Mobility) બંને દેશોની અર્થવ્યવસ્થા માટે મહત્ત્વપૂર્ણ છે. તે ભારતીયો માટે તકો ઊભી કરે છે અને અમેરિકી કંપનીઓને પ્રતિભા, સંશોધન, ઉત્પાદકતા, નવીનતા તેમજ સ્પર્ધાત્મકતામાં મદદ કરે છે. અમેરિકાના આ પગલાં બંને દેશોના પરસ્પર હિતો સાથે સુસંગત નથી. અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સની ટિપ્પણીઓને ભારતે અયોગ્ય અને અપમાનજનક ગણાવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ટિપ્પણીઓ અમેરિકામાં રહેતા ભારતીય વ્યાવસાયિકોના યોગદાનને નજરઅંદાજ કરે છે, જેઓ ઉચ્ચ શિક્ષિત અને કુશળ છે. અમેરિકાનો ઇતિહાસ પણ ઇમિગ્રન્ટ્સના શ્રમ અને નવીનતાથી બન્યો છે. ઔપનિવેષિક વારસાની છાપ ધરાવતા શબ્દોનો ઉપયોગ અપમાનજનક છે.
ઉલ્લેખનીય છે કે જેડી વેન્સે ભારતીયોને બંધવા મજૂર જેવા શબ્દોથી ઓળખાવ્યા બાદ ભારતીય સમુદાય અને NRI દ્વારા ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ભારત સરકાર આ મામલે બારીક નજર રાખી રહી છે.