સત્ય. સાહસ. સંકલ્પ.

રશિયન તેલ છતાં અમેરિકા સાથે વેપાર વધ્યો, LPG સપ્લાયમાં અમેરિકા બન્યું ભારતનું સૌથી મોટું સ્ત્રોત

રશિયન તેલ છતાં અમેરિકા સાથે વેપાર વધ્યો, LPG સપ્લાયમાં અમેરિકા બન્યું ભારતનું સૌથી મોટું સ્ત્રોત

ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે, જે અંગે અમેરિકાએ વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. તેમ છતાં, છેલ્લા એક વર્ષમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને ઊર્જા ક્ષેત્રે સહયોગ વધ્યો છે. અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે અમેરિકા હવે ભારતને LPG નિકાસ કરતો સૌથી મોટો દેશ બન્યો છે.

અમેરિકાના વિદેશ વિભાગમાં દક્ષિણ અને મધ્ય એશિયા માટેના ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી બેથની મોરિસને ન્યૂયોર્ક ફોરેન પ્રેસ સેન્ટરમાં એક કાર્યક્રમમાં ભારત-અમેરિકા સંબંધો વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે બંને દેશો ઊર્જા, સંરક્ષણ, વેપાર અને બહુપક્ષીય સહયોગ જેવા અનેક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે.

મોરિસને જણાવ્યું કે ભારત પોતાની ઊર્જા આયાતના સ્રોતોમાં વિવિધતા લાવી રહ્યું છે અને તેમાં અમેરિકા મહત્વપૂર્ણ સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું, 'અમેરિકા હવે ભારતને LPG નિકાસ કરતો સૌથી મોટો દેશ છે.'

ભારતે 2026 માટે અમેરિકાના ગલ્ફ કોસ્ટમાંથી આશરે 2.2 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ LPG આયાત કરવા માટે એક વર્ષનો કરાર કર્યો હતો. આ ભારતની વાર્ષિક LPG આયાતના આશરે 10 ટકા જેટલું છે.

મધ્યપૂર્વમાં ઊર્જા પુરવઠાને અસર થતાં ભારતે LPGના આયાત સ્રોતોમાં ફેરફાર કર્યો છે. અગાઉ ભારતની LPG આયાતનો મોટો હિસ્સો ગલ્ફ દેશોમાંથી આવતો હતો, પરંતુ 2026 દરમિયાન અમેરિકાથી LPGની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે.

મોરિસને ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સહયોગનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે બંને દેશો નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ભારતે લગભગ 20 વર્ષ બાદ પોતાના પરમાણુ નિયમન ક્ષેત્રમાં ફેરફાર કરીને SHANTI Act પસાર કર્યો છે અને હવે નાગરિક પરમાણુ સહયોગમાં આગળ વધવાની શક્યતા છે.

બેથની મોરિસનના જણાવ્યા અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચેનો સહયોગ માત્ર ઊર્જા અને સંરક્ષણ પૂરતો મર્યાદિત નથી. બંને દેશો વચ્ચે મોટા વેપારી કરારો થઈ રહ્યા છે અને ક્વાડ જેવા બહુપક્ષીય મંચો પર પણ બંને દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ટ્રમ્પ પ્રશાસન માટે સમગ્ર દક્ષિણ એશિયા મહત્વપૂર્ણ ક્ષેત્ર છે અને અમેરિકા હવે આ ક્ષેત્ર પર વધુ ધ્યાન આપી રહ્યું છે.