ભારતની સરકારી તેલ કંપનીઓએ 2027માં અમેરિકાથી આશરે 27.5 લાખ મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) આયાત કરવાનું નક્કી કર્યું છે. આ માટે ઇન્ડિયન ઑઇલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)એ સંયુક્ત ટેન્ડર બહાર પાડ્યું હતું, જે ચાર વૈશ્વિક કંપનીઓને આપવામાં આવ્યું છે.
બજાર સાથે જોડાયેલા જાણકારોના જણાવ્યા અનુસાર, ટેન્ડર સાઉદી અરામકો, શેવરોન, ટોટલએનર્જીઝ ટ્રેડિંગ એસએ અને વિટોલને આપવામાં આવ્યું છે. આ પગલાનો હેતુ મધ્ય પૂર્વમાંથી થતી સપ્લાયમાં થયેલી ઘટને પૂરી કરવાનો છે.
આ ટેન્ડર સપ્ટેમ્બરમાં બહાર પાડવામાં આવ્યું હતું. તેના હેઠળ અમેરિકાથી દર મહિને 4 વેરી લાર્જ ગેસ કેરિયર (VLGC) કાર્ગો ‘ડિલિવર્ડ બેસિસ’ પર અને 1 કાર્ગો ‘ફ્રી-ઓન-બોર્ડ’ (FOB) બેસિસ પર મંગાવવામાં આવશે.
ટેન્ડર હેઠળ 2027માં આખા વર્ષ દરમિયાન કંપનીઓ પાસેથી આ રીતે સપ્લાય મળશે:
- ટોટલ એનર્જીઝ: દર મહિને ડિલિવર્ડ બેસિસ પર 2 કાર્ગો
- સાઉદી અરામકો: દર મહિને ડિલિવર્ડ બેસિસ પર 1 કાર્ગો
- શેવરોન: દર મહિને ડિલિવર્ડ બેસિસ પર 1 કાર્ગો
- વિટોલ: દર મહિને 1 કાર્ગો ફ્રી-ઓન-બોર્ડ (FOB) બેસિસ પર
એક સામાન્ય VLGC જહાજમાં આશરે 46,000 ટન LPG આવે છે, જેમાં પ્રોપેન અને બ્યુટેનનું મિશ્રણ હોય છે. સામાન્ય રીતે આ કંપનીઓ આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા મામલાઓ પર કોઈ સત્તાવાર નિવેદન આપતી નથી.
ભારતે આ જ વર્ષે પહેલી વાર વાર્ષિક કરાર દ્વારા અમેરિકાથી LPG ખરીદવાનું શરૂ કર્યું છે. આ કરાર શેવરોન, ફિલિપ્સ 66 અને ટોટલને આપવામાં આવ્યા હતા. મિડલ ઈસ્ટમાંથી LPGનો સપ્લાય ઘટવાને કારણે નવી દિલ્હીએ અમેરિકન સપ્લાય તરફ વળવું પડ્યું છે. સાથે જ સરકાર સ્થાનિક સ્તરે LPGની માગને નિયંત્રિત કરવા માટે ગ્રાહકોને પાઈપ્ડ ગેસ (PNG) અપનાવવા માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે.
વર્ષ 2025માં ભારતે કુલ 2.18 કરોડ ટન એટલે કે 21.85 મિલિયન ટન LPGની આયાત કરી હતી. તેમાંથી આશરે 90% હિસ્સો એકલા મિડલ ઈસ્ટમાંથી મંગાવવામાં આવ્યો હતો. સૂત્રોએ આ વર્ષની શરૂઆતમાં માહિતી આપી હતી કે ભારત 2027માં પોતાની કુલ LPG આયાતનો એક ચોથો ભાગ (25%) અમેરિકાથી ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. નવું સંયુક્ત ટેન્ડર આ જ વ્યૂહરચનાનો એક ભાગ છે.
અમેરિકાથી ઊર્જાની ખરીદી વધારવાથી ભારતને અમેરિકા સાથેનો પોતાનો ટ્રેડ સરપ્લસ ઘટાડવામાં મદદ મળી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ એક મુખ્ય માગ રહી છે. ભારત હાલમાં અમેરિકા સાથે લાંબા સમયથી અટવાયેલા વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકન ગેસની આ મોટી ખરીદી બંને દેશોના વેપારી સંબંધોને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
VLGC એટલે વેરી લાર્જ ગૅસ કેરિયર. આ ખાસ કરીને પ્રવાહી ગેસ- જેમ કે LPGને લાંબા દરિયાઈ અંતર સુધી લઈ જતાં વિશાળ જહાજો હોય છે. એક VLGCમાં આશરે 46,000 ટન ગેસ આવે છે.
ડિલિવર્ડ બેસિસમાં વેચતી કંપની જ ગેસને ભારતના બંદર સુધી પહોંચાડવાનો અને તેના વીમાનો ખર્ચ ઉઠાવે છે. જ્યારે ફ્રી-ઑન-બોર્ડ (FOB)માં વેચતી કંપની માત્ર અમેરિકન બંદર પર જહાજમાં ગેસ લોડ કરવા સુધીની જવાબદારી લે છે. ત્યારબાદ જહાજનું ભાડું અને માર્ગના જોખમની જવાબદારી ખરીદતી કંપની (ભારતીય કંપનીઓ)ની હોય છે.