રાજકોટના જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વચ્ચેની ત્રણ વન-ડે મેચની શ્રેણીની પ્રથમ મેચ રોમાંચક માહોલમાં રમાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત ઓવરોમાં 6 વિકેટના નુકસાને 182 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો.
ભારત તરફથી યશવર્ધન ચૌહાણે 34 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 54 રન ફટકાર્યા હતા. આર્યવીર સહેવાગે 26 બોલમાં 5 ચોગ્ગા સાથે 28 રન અને અન્વય દ્રવિડે 18 બોલમાં 2 ચોગ્ગા તથા 3 છગ્ગા સાથે 38 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
183 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે પણ આક્રમક રમત દાખવી હતી. કાંગારુ કેપ્ટન જેક ઝોસ્નેકે માત્ર 27 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રન ફટકારીને મેચ ભારત પાસેથી છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. 11 બોલમાં 24 રનની જરૂર હતી ત્યારે તેમણે સતત ત્રણ ચોગ્ગા ફટકારી 25 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી, પરંતુ તે પછીના જ બોલે તેઓ આઉટ થતાં મેચ રોમાંચક વળાંક પર આવી ગઈ હતી.
છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીતવા 11 રનની જરૂર હતી ત્યારે સૌરાષ્ટ્રના યુવા ઝડપી બોલર મોહિત ઉલ્વાએ શાનદાર યોર્કર અને ચોક્કસ લાઇન-લેન્થથી માત્ર 3 રન આપી ભારતને 7 રને શાનદાર વિજય અપાવ્યો હતો.
સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓ માટે સૌથી મોટું આકર્ષણ પૂર્વ દિગ્ગજ ખેલાડીઓની નવી પેઢી હતી. ભારતના પૂર્વ સ્ટાર ખેલાડી વીરેન્દ્ર સહેવાગ પોતાના દીકરા આર્યવીરની મેચ નિહાળવા રાજકોટ પહોંચ્યા હતા, જ્યારે અન્વય દ્રવિડે પણ પિતા રાહુલ દ્રવિડની ઝલક બતાવી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આગામી બીજી અને ત્રીજી વનડે મેચ અનુક્રમે 21 અને 23 સપ્ટેમ્બરના રોજ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે 27થી 30 સપ્ટેમ્બર દરમિયાન ચાર દિવસીય યુથ ટેસ્ટ મેચનું આયોજન થશે. સૌરાષ્ટ્રભરના રમતપ્રેમીઓ મેદાન પર આવીને ભાવિ આંતરરાષ્ટ્રીય સિતારાઓની રમત નિહાળી શકે તે માટે આ તમામ મેચોમાં દર્શકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે.