સત્ય. સાહસ. સંકલ્પ.

રશિયા-યુક્રેન યુદ્ધ: ભારતના પ્રસ્તાવને યુક્રેનનું સમર્થન, ચાર દેશોની શાંતિ પહેલ

રશિયા-યુક્રેન યુદ્ધ: ભારતના પ્રસ્તાવને યુક્રેનનું સમર્થન, ચાર દેશોની શાંતિ પહેલ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને વાતચીત દ્વારા અટકાવવાના પ્રયાસો વચ્ચે ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ બની છે. યુક્રેને યુદ્ધવિરામ માટે ચાલી રહેલા ચાર મોટા વૈશ્વિક પ્રસ્તાવોમાં ભારતના પ્રસ્તાવને સૌથી વ્યાપક ગણાવ્યો છે. યુક્રેનના વિદેશ મંત્રી એન્દ્રી સિબિહાએ જણાવ્યું કે, ભારતે પ્રથમ વખત બંને દેશો વચ્ચે મધ્યસ્થી તરીકે સક્રિય ભૂમિકા ભજવવાની તૈયારી દર્શાવી છે.

યુક્રેન બ્લેક સીમાં ઊર્જા અને ખેતી સંબંધિત શરતો સાથે યુદ્ધવિરામ માટે સહમત થવા તૈયાર છે. યુક્રેનને યુદ્ધ સમાપ્ત કરવા માટે હાલમાં ચાર દેશો તરફથી પ્રસ્તાવો મળ્યા છે. જેમાં ભારતનો પ્રસ્તાવ સૌથી વ્યાપક છે. તુર્કી અને ઈજિપ્તે બ્લેક સી મારફતે અનાજ અને કૃષિ ક્ષેત્રે સંઘર્ષ રોકવાની દરખાસ્ત મૂકી છે, જ્યારે અમેરિકાએ ઊર્જા માળખા પરના હુમલા રોકવા માટે પ્રસ્તાવ આપ્યો છે. યુક્રેનનું કહેવું છે કે ઊર્જા સુવિધાઓ અને બ્લેક સીમાં શિપિંગ બંને સુરક્ષિત બને તેવા સંયુક્ત પેકેજ તરીકે જ તે યુદ્ધવિરામ સ્વીકારવા તૈયાર છે.

યુક્રેનના વિદેશ મંત્રીના જણાવ્યા મુજબ, સ્થાયી શાંતિ અને યુદ્ધવિરામ માત્ર રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિન વચ્ચે સીધી વાતચીત દ્વારા જ શક્ય બની શકે છે. અમેરિકા સહિતના પક્ષો આ રાજદ્વારી માર્ગ પર સક્રિય રીતે કાર્યરત છે, જ્યારે બ્લેક સીમાં સુરક્ષિત નેવિગેશન સુનિશ્ચિત કરવા માટે ભારત, ઈજિપ્ત અને તુર્કીના સૂચનો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

ભારત શરૂઆતથી જ મોસ્કો અને કીવ બંને સાથે સતત સંપર્કમાં રહીને શાંતિ મંત્રણાની તરફેણ કરી રહ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કીવની મુલાકાત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધ રોકવા માટે ભારત દરેક શક્ય સહાય કરવા કટિબદ્ધ છે. યુક્રેને પણ સ્વીકાર્યું છે કે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને કાળા સમુદ્રમાં શાંતિ જાળવવા માટે ભારતની ભાગીદારી અત્યંત મૂલ્યવાન છે.

યુક્રેને ચોક્કસ શરતો સાથે યુદ્ધવિરામ પર વિચાર કરવાની તૈયારી દર્શાવી છે, પરંતુ હવે આ તમામ શાંતિ પ્રસ્તાવો આગળ વધશે કે નહીં તેનો આધાર રશિયાના પ્રતિસાદ પર રહેલો છે. મોસ્કો આ વાટાઘાટોમાં જોડાવા કેટલી ગંભીરતા દાખવે છે તેના પરથી જ યુદ્ધના અંતની દિશા નક્કી થશે.