સત્ય. સાહસ. સંકલ્પ.

અંડર-19 એશિયા કપમાં ભારતે નેપાળને 10 વિકેટે હરાવ્યું, આર્યવીર સહવાગની અણનમ 70 રનની ઇનિંગ્સ

અંડર-19 એશિયા કપમાં ભારતે નેપાળને 10 વિકેટે હરાવ્યું, આર્યવીર સહવાગની અણનમ 70 રનની ઇનિંગ્સ

ભારતની અંડર-19 ટીમે એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નેપાળને 10 વિકેટે હરાવ્યું છે. અલ અમીરાતમાં શુક્રવારે રમાયેલી આ મેચમાં નેપાળની ટીમ પ્રથમ બેટિંગ કરતાં 42.3 ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે 19.1 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 129 રન બનાવીને મુકાબલો જીતી લીધો હતો. ટીમે 185 બોલ બાકી રહેતાં જીત નોંધાવી હતી.

129 રનના ટાર્ગેટને ચેઝ કરતાં ભારતને કેપ્ટન લક્ષ્ય રાયચંદાની અને આર્યવીર સહવાગે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 115 બોલમાં 129 રનની અણનમ ભાગીદારી કરી હતી. સહવાગે 52 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે લક્ષ્યે 63 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા, જેમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

આ પહેલાં નેપાળની ટીમ 128 રનમાં સમેટાઈ ગઈ હતી. દર્શન સોનારે 93 બોલમાં 43 રન બનાવ્યા હતા. આશિષ લુહારે 29 અને નિરજ કુમાર યાદવે 20 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ઈશાન સૂદ અને અર્જુન રાજપૂતે 3-3 વિકેટ લીધી હતી. યશવીર ગૌડે 2 વિકેટ મેળવી હતી, જ્યારે મનાલ ચૌહાણ અને કાવ્ય પરેશ પટેલને 1-1 વિકેટ મળી હતી.