રાજકોટમાં રમાયેલી ત્રીજી અનઑફિશિયલ વનડેમાં ભારત U-19એ ઓસ્ટ્રેલિયા U-19ને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની સિરીઝ 3-0થી કબજે કરી લીધી છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 49.3 ઓવરમાં 254 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારત U-19એ 41.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય સર કરી લીધું હતું.
ભારત તરફથી કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ 106 બોલમાં અણનમ 110 રન ફટકાર્યા. તેમની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે 34 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેમણે પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી ઝેડ હોલિકે 88 બોલમાં 87 રન અને નીલ પટેલે 71 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. બ્લેક કેટલે 31 બોલમાં 38 રન બનાવ્યા હતા.
ભારત માટે મોહિત ઉલવા અને મનાલ ચૌહાણે સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. મોહિતે 9.3 ઓવરમાં 43 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. આર્યન સાવસાનીને એક વિકેટ મળી હતી.
લક્ષ્ય સામે ભારતની શરૂઆત સારી રહી હતી. ઓપનર લક્ષ્ય અને આર્યવીરે પ્રથમ વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. આર્યવીર મેથ્યુ પિટ્ઝની બોલિંગમાં કેચ આઉટ થયો હતો, જ્યારે વિકેટકીપર વિનિત 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
ત્યાર બાદ કુશાગ્ર ઓઝાએ લક્ષ્ય સાથે મળીને ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. કુશાગ્ર 45 રન બનાવીને આઉટ થયો હતો અને તેના તરત બાદ અર્જુન રાજપૂત ખાતું ખોલ્યા વિના બોલ્ડ થઈ ગયો હતો. ભારતે 175 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી.
અંતે લક્ષ્ય અને રજત બઘેલે ઇનિંગ્સ સંભાળી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 80 રનની અણનમ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી. રજત 34 બોલમાં 44 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે 41.2 ઓવરમાં 255 રન બનાવીને મેચ પોતાના નામે કરી હતી.