સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 103 રને હરાવ્યું, યશવર્ધનની સદી

રાજકોટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 103 રને હરાવ્યું, યશવર્ધનની સદી

રાજકોટમાં રમાયેલી બીજી યુથ વનડેમાં ભારતની અંડર-૧૯ ટીમે ઓસ્ટ્રેલિયાની અંડર-૧૯ ટીમને ૧૦૩ રને હરાવી દીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૪૧ રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૪૧.૧ ઓવરમાં ૨૩૮ રને ઓલઆઉટ થઈ ગઈ.

ભારત તરફથી યશવર્ધન ચૌહાણે ૧૦૦ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૧૨૨ રનની શાનદાર ઇનિંગ રમી. વીકે વિનીતે ૯૨ બોલમાં ૮૭ રન બનાવ્યા. વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ ૪૮ બોલમાં ૪૭ રન બનાવીને રનઆઉટ થયો અને અડધી સદીથી ચૂકી ગયો. કુશાગ્ર ઓઝાએ ૨૦ બોલમાં ૩૪ રન અને કેપ્ટન લક્ષ્ય રાયચંદાણીએ ૨૯ બોલમાં ૧૧ રન બનાવ્યા. રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડે ૯ રન અને મનાલ ચૌહાણે ૧ રનનું યોગદાન આપ્યું. યશવીર ગૌડ ૨ અને ચિગુરુપતિ વેંકટા ૧ રન બનાવીને અણનમ રહ્યા.

૩૪૨ રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી. જૅક કૉઝનેકે ૬૩ બોલમાં ૮૧ રન બનાવ્યા, જ્યારે મેથ્યુ લૉફે ૪૨ રન અને બ્લેક કૅટલે ૪૪ રનની ઇનિંગ રમી. તેમના સિવાય કોઈ પણ બેટર મોટી ઇનિંગ રમી શક્યો નહીં અને આખી ટીમ ૨૩૮ રનમાં સમેટાઈ ગઈ.

ભારતની બોલિંગમાં ચિગુરુપતિ વેંકટા સૌથી સફળ રહ્યા. તેમણે ૮ ઓવરમાં ૬૪ રન આપીને ૩ વિકેટ ઝડપી. યશબીર ગૌડ અને મનાલ ચૌહાણને એક-એક વિકેટ મળી, જ્યારે યશવર્ધન ચૌહાણ અને કાવ્યા પટેલે ૨-૨ વિકેટ ઝડપી. મોહમ્મદ ઉલવાએ ૭ ઓવરમાં ૧૯ રન આપીને એક વિકેટ લીધી.

ઉલ્લેખનીય છે કે ભારતે પ્રથમ યુથ વનડેમાં ઓસ્ટ્રેલિયાને ૭ રનથી હરાવ્યું હતું. વરસાદને કારણે તે મુકાબલો ૨૦-૨૦ ઓવરનો કરી દેવામાં આવ્યો હતો. આ મેચમાં આર્યવીરે અંડર-૧૯માં ડેબ્યૂ કર્યું હતું અને ઓપનિંગ કરતાં ૨૮ રન બનાવ્યા હતા. તે દરમિયાન તેમણે પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડે ૧૮ બોલમાં ૩૮ રનની ઇનિંગ રમી હતી.