રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે બુધવારે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતીય અંડર-19 ટીમે ઓસ્ટ્રેલિયા અંડર-19ને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 254 રન પર ઓલઆઉટ થઈ હતી. ઓપનર જેડ હોલિકે 88 બોલમાં 87 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેણે ચાર્લી હેન્ડરસન (18) સાથે પ્રથમ વિકેટ માટે 64 રન અને નીલ પટેલ સાથે બીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. નીલ પટેલે 71 બોલમાં 51 રન ફટકાર્યા હતા. મેથ્યુ લોફ સાથે 26 રન અને બ્લેક કેટલ (38) સાથે 44 રનની ભાગીદારી કરી ટીમને 254 રન સુધી પહોંચાડી હતી.
ભારત માટે મોહિત ઉલ્વા અને મનલ ચૌહાણે 3-3 વિકેટ ઝડપી. કાવ્યા પટેલ અને આર્યન સવાસાનીને 1-1 વિકેટ મળી.
લક્ષ્યાંકનો પીછો કરતી ભારતીય ટીમે 41.2 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવી મેચ જીતી લીધી. કેપ્ટન લક્ષ્ય રચંદાની અને આર્યવીર સેહવાગે પ્રથમ વિકેટ માટે 58 રન જોડ્યા. આર્યવીરે 31 બોલમાં 34 રન (5 ચોગ્ગા) બનાવ્યા. વીકે વિનીત 10 રનમાં આઉટ થતાં ભારતે 89 રન પર બે વિકેટ ગુમાવી.
ત્યારબાદ લક્ષ્ય રચંદાનીએ કુશાગ્ર ઓઝા સાથે ત્રીજી વિકેટ માટે 96 બોલમાં 85 રનની ભાગીદારી કરી. કુશાગ્ર 53 બોલમાં 45 રન (5 ચોગ્ગા) બનાવી આઉટ થયો. અર્જુન રાજપૂત શૂન્ય પર આઉટ થતાં ભારતે 175 રન પર ચાર વિકેટ ગુમાવી. પરંતુ લક્ષ્ય રચંદાની અને રજત બઘેલે પાંચમી વિકેટ માટે 57 બોલમાં 80 રનની અતૂટ ભાગીદારી કરી ટીમને વિજય અપાવ્યો. લક્ષ્યએ 106 બોલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગા સાથે અણનમ 110 રન ફટકાર્યા, જ્યારે રજત બઘેલે 34 બોલમાં 7 ચોગ્ગા સાથે અણનમ 44 રન બનાવ્યા.
ઓસ્ટ્રેલિયા તરફથી સ્પેન્સર ગ્રીને 2 વિકેટ લીધી, જ્યારે વિલ બાયરામ અને જેકબ પીટ્ઝે 1-1 વિકેટ ઝડપી.
શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે 7 રનથી અને બીજી મેચમાં 103 રનથી વિજય મેળવ્યો હતો. ત્રીજી મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો.