સત્ય. સાહસ. સંકલ્પ.

અંડર-19 એશિયા કપમાં ભારતની જીત, રાજકોટના મોહિત ઉલ્વાના ઘરે ઉજવણી

અંડર-19 એશિયા કપમાં ભારતની જીત, રાજકોટના મોહિત ઉલ્વાના ઘરે ઉજવણી

એસીસી મેન્સ અંડર-19 એશિયા કપ 2026ની રોમાંચક ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 1 વિકેટથી હરાવીને ટ્રોફી જીતી લીધી છે. પાકિસ્તાને આપેલા 338 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પરંતુ 10મા નંબરે બેટિંગ કરવા આવેલા રાજકોટના મોહિત ઉલ્વાએ 26 બોલમાં અણનમ 49 રન ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.

મોહિત મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી છે અને હાલ રાજકોટમાં રહે છે. તેની આ ઇનિંગ બાદ રાજકોટમાં તેમના ઘરે દિવાળી જેવો માહોલ છે. પરિવારે મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી.

મોહિતના પિતા મહેશભાઈ ઉલ્વાએ જણાવ્યું કે, ઓલરાઉન્ડર તરીકે બોલિંગ અને બેટિંગ બંનેમાં સતત પ્રેક્ટિસ કરવી અને કૌશલ્ય વિકસાવવું મોટો પડકાર છે, જેમાં ફિટનેસના પ્રશ્નો પણ આવે છે. તેમણે કહ્યું કે મોહિત રોજ 400-500 બોલની પ્રેક્ટિસ કરતો હતો, જેનું આજે સાચું ફળ મળ્યું છે. ફાઇનલમાં વિજયી શોટ ફટકારીને જીત મેળવવી એ ગર્વની વાત છે. તેમણે ઉમેર્યું કે જ્યારે મોહિતે ચોગ્ગો માર્યો ત્યારે આખો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો.

મહેશભાઈએ જણાવ્યું કે મોહિતે 2016માં ક્રિકેટની શરૂઆત કરી હતી. શરૂઆતના સાડા ત્રણ વર્ષ જામનગર ક્રિકેટ બંગલે રવિન્દ્ર જાડેજાના કોચ રહી ચૂકેલા મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ મહેશભાઈની બદલી રાજકોટ થતાં છેલ્લા 6 વર્ષથી મોહિત રેલવે આરડીએસ ગ્રાઉન્ડમાં તાલીમ લઈ રહ્યો છે અને રાજકોટનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે અંડર-16 અને અંડર-19માં વિજય મર્ચન્ટ, વિનુ માંકડ, કૂચ બિહાર જેવી ટૂર્નામેન્ટ્સમાં કેપ્ટન તરીકે રમીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશા રાખી કે મોહિત ટૂંક સમયમાં ભારતીય ટીમમાં રમતો જોવા મળશે.

મોહિત ઉલ્વાએ જામનગરમાં મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની કડક તાલીમ મેળવી હતી. શરૂઆતમાં તે ઓફ-સ્પિનર હતો, પરંતુ પછી ફાસ્ટ બોલર બન્યો. રાજકોટ સ્થળાંતર કર્યા બાદ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં જયદેવ ઉનડકટ પાસેથી મળેલી ખાસ ટિપ્સ તેના માટે ઉપયોગી સાબિત થઈ હતી. ગામડાના ટેનિસ-બોલ ક્રિકેટથી શરૂ થયેલી તેની સફર આજે ભારતની અંડર-19 ટીમ સુધી પહોંચી છે.

ફાઇનલ મેચમાં પાકિસ્તાને 338 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ઓપનિંગ જોડીએ ધમાકેદાર શરૂઆત કરી હતી, પરંતુ ધીમે ધીમે વિકેટો પડવા લાગી. 8 વિકેટ પડ્યા બાદ મોહિત ઉલ્વા અને મનાલ ચૌહાણ વચ્ચે 35 બોલમાં 57 રનની ભાગીદારી થઈ હતી. 47.2 ઓવરમાં મનાલ 47 રન પર આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 309-9 હતો. ત્યારબાદ 11મા નંબરે આવેલા ચિગુરુપતિ વેંકટાએ મોહિતનો સાથ નિભાવ્યો અને બંને જીતાડીને જ પરત ફર્યા.