સત્ય. સાહસ. સંકલ્પ.

અંડર-19 એશિયા કપ: ભારતીય ટીમમાં ગુજરાતના 3 ખેલાડી, લક્ષ્ય રાયચંદાની કેપ્ટન

અંડર-19 એશિયા કપ: ભારતીય ટીમમાં ગુજરાતના 3 ખેલાડી, લક્ષ્ય રાયચંદાની કેપ્ટન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ACC મેન્સ અંડર-19 એશિયા કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. લક્ષ્ય રાયચંદાનીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે યશવર્ધન સિંહ ચૌહાણ વાઇસ કેપ્ટન રહેશે. આ ટીમમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

ટીમમાં પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડનો પણ સમાવેશ થયો છે. અન્વય દ્રવિડ વિકેટકીપર તરીકે ટીમમાં છે.

આ ટુર્નામેન્ટ 5થી 14 નવેમ્બર સુધી ઓમાનના મસ્કટમાં રમાશે. ભારત પોતાની પ્રથમ મેચ 6 નવેમ્બરે નેપાળ સામે રમશે. ત્યારબાદ 8 નવેમ્બરે પાકિસ્તાન અને 10 નવેમ્બરે UAE સામે મુકાબલો થશે. ભારતની ત્રણેય ગ્રુપ મેચ મસ્કટની ઓમાન ક્રિકેટ અકાદમીમાં યોજાશે.

ભારતીય ટીમને ગ્રુપ-Aમાં રાખવામાં આવી છે, જેમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ અને UAEની ટીમો છે. ગ્રુપ-Bમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને મલેશિયાને સ્થાન મળ્યું છે. બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલ 12 નવેમ્બરે અને ફાઇનલ 14 નવેમ્બરે રમાશે.

ભારતીય ટીમ: લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), યશવર્ધન સિંહ ચૌહાણ (વાઇસ કેપ્ટન), આર્યવીર સેહવાગ, વીકે વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનાલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), રજત બાઘેલ (વિકેટકીપર), વી. યશવીર, આર્યન સાવસાની, મોહિત ઉલ્વા, કાવ્ય પટેલ, શાવિન વિનોદ અને ઈશાન સૂદ.

ઉલ્લેખનીય છે કે, અગાઉની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. પાકિસ્તાન ગત વખતનું ચેમ્પિયન છે. તેણે 2025ની ફાઇનલમાં ભારતને હરાવીને ખિતાબ જીત્યો હતો. ACC મેન્સ અંડર-19 એશિયા કપની 13મી સિઝન 5થી 14 નવેમ્બર 2026 સુધી ઓમાનમાં રમાશે, જેમાં એશિયાની 8 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટ 50 ઓવરના વનડે ફોર્મેટમાં યોજાશે.