સત્ય. સાહસ. સંકલ્પ.

અંડર-૧૯ એશિયા કપ: ભારતે પાકિસ્તાનને એક વિકેટથી હરાવી ચેમ્પિયનશિપ જીતી

અંડર-૧૯ એશિયા કપ: ભારતે પાકિસ્તાનને એક વિકેટથી હરાવી ચેમ્પિયનશિપ જીતી

અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૬ની ફાઇનલમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે રોમાંચક એક વિકેટથી જીત મેળવીને ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો છે. અલ અમરાતમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૩૭ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૩૯ રન કરીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતે જીતની ખાતરી કરી હતી.

પાકિસ્તાન તરફથી ઓપનર ઉસ્માન ખાને ૧૧૧ બોલમાં ૧૦૭ રનની સદી ફટકારી હતી, જ્યારે અબ્દુલ કાદિરે ૫૪ બોલમાં ૮૦ રન અને કેપ્ટન ફરહાન યુસુફે ૬૦ બોલમાં ૬૩ રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કાવ્યા પટેલે ચાર અને ચિગુરુપતિ વેંકટાએ ત્રણ વિકેટ ઝડપી હતી.

૩૩૮ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને આર્યવીર સેહવાગ અને કેપ્ટન લક્ષ્ય રાયચંદાનની જોડીએ પ્રથમ વિકેટ માટે ૯૫ રનની ભાગીદારી કરીને સારી શરૂઆત આપી હતી. હાથમાં ઈજા હોવા છતાં આર્યવીરે ૬૧ બોલમાં ૫૮ રન અને લક્ષ્યે ૧૦૧ બોલમાં ૮૦ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જોકે, મધ્યક્રમમાં વિકેટો પડતાં ભારતની સ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી અને ૨૧૭ રનના સ્કોરે છ વિકેટ ગુમાવી દીધી હતી.

ત્યારબાદ મનલ ચૌહાણે આક્રમક બેટિંગ કરતા ૩૨ બોલમાં ૪૭ રન બનાવ્યા હતા, જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. તેમની ઇનિંગે ભારતને લક્ષ્યની નજીક પહોંચાડ્યું, પરંતુ ૩૦૯ રને તેમની વિકેટ પડતાં મેચ ફરી રોમાંચક બની ગઈ હતી. અંતિમ સમયે મોહિત ઉલ્વાએ જવાબદારી સંભાળીને ૨૬ બોલમાં અણનમ ૪૯ રન બનાવ્યા હતા, જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ચિગુરુપતિ વેંકટાએ પણ અણનમ ૧૧ રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ છેલ્લી વિકેટ માટે જરૂરી રન પૂરા કરતાં ભારતે એક વિકેટથી ફાઇનલ જીતી લીધી હતી.

આ જીત ભારતીય અંડર-૧૯ ટીમ માટે યાદગાર રહી છે, જેમાં યુવા ખેલાડીઓએ દબાણ હેઠળ શાનદાર પ્રદર્શન કર્યું છે. બીસીસીઆઈએ પણ આ જીતને વખાણી છે.