સત્ય. સાહસ. સંકલ્પ.

U19 એશિયા કપ: ભારતીય યુવા ટીમની ઉજવણી પર વિવાદ, BCCIએ કહ્યું- 'જીત્યા પછી ઉજવણીનો અધિકાર'

U19 એશિયા કપ: ભારતીય યુવા ટીમની ઉજવણી પર વિવાદ, BCCIએ કહ્યું- 'જીત્યા પછી ઉજવણીનો અધિકાર'

ઓમાનમાં રમાયેલા અંડર-19 એશિયા કપના ફાઇનલમાં ભારતીય યુવા ટીમે પાકિસ્તાનને હરાવ્યું. આ જીત બાદ ભારતીય ખેલાડીઓની ઉજવણીની રીતને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. કેટલાક ખેલાડીઓ પાકિસ્તાની ટીમ સામે આક્રમક અંદાજમાં ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાને લઈને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોએ સવાલ ઉઠાવ્યા છે, જ્યારે BCCIએ ભારતીય ટીમના ઉત્સાહને સમર્થન આપ્યું છે.

ફાઇનલ મેચમાં ભારતીય ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાંથી જીતી હતી. BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું, 'આ ભારતીય ટીમનો ઉત્સાહ અને ફાઇટિંગ સ્પિરિટ દર્શાવે છે. મેચ ભારતના હાથમાં ન હતી. 280 રનની આસપાસ આઠ વિકેટ પડી ગઈ હતી અને ઓવરો તથા બોલ પણ ઓછા બચ્યા હતા. તે સ્થિતિમાંથી ટીમ જીતી છે, જે દર્શાવે છે કે ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. જે રીતે જીત્યા છે તે રીતે ઉજવણી કરવી બરોબર છે.'

બીજી તરફ, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોએ ભારતીય ટીમની ઉજવણી પર આલોચના કરી છે. પૂર્વ ક્રિકેટર અહમદ શહઝાદે કહ્યું, 'ટૂર્નામેન્ટ જીતવા બદલ ભારતને અભિનંદન અને પાકિસ્તાન અંડર-19 ટીમને પણ શ્રેષ્ઠ ક્રિકેટ રમવા બદલ શ્રેય જાય છે. જોકે, જીતની ઉજવણી ખુશી સાથે થવી જોઈએ, આક્રમકતા દેખાડીને નહીં. આ યુવા ખેલાડીઓ છે અને તેમને શીખવવું જરૂરી છે કે ખેલની ભાવના જીત અને હારથી ઘણી ઉપર હોય છે.'

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક કાર્યક્રમમાં કહ્યું, 'ભારતને અભિનંદન. તેઓ ખૂબ સારું ક્રિકેટ રમ્યા. પરંતુ આપણે માત્ર ક્રિકેટ નથી રમવાનું, આપણે મૂલ્યો સાથે પણ ચાલવાનું છે. આજે પણ હું સચિન તેંદુલકર વિશે સારું બોલું છું. સેહવાગ, સૌરવ સાથે અમે બધા સારા મિત્રો છીએ અને ક્યારેય એકબીજા સામે આ રીતે રિએક્ટ નથી કર્યું. હું માનું છું કે તેઓ યુવાન છે, પરંતુ આપણે બાળકોને સંસ્કારો પણ શીખવવાના છે.'

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારતીય ટીમના કેપ્ટને ગત મેચમાં કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ તેમના કરતા સારી રમી હતી. આ નિવેદનની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી. હવે U19 ફાઇનલની ઉજવણીને લઈને ચાહકો અને ક્રિકેટ જગતમાં ચર્ચા ચાલી રહી છે.