સત્ય. સાહસ. સંકલ્પ.

3 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા એક જ દિવસે બે મેચ રમશે, 1998 પછી પહેલીવાર આવો સંયોગ

3 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા એક જ દિવસે બે મેચ રમશે, 1998 પછી પહેલીવાર આવો સંયોગ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ચાહકો માટે 3 ઓક્ટોબરનો દિવસ ખાસ રહેવાનો છે. આ દિવસે ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં બે અલગ-અલગ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું ભાગ્યે જ બને છે. અગાઉ 1998માં આવો સંયોગ સર્જાયો હતો અને હવે 28 વર્ષ બાદ ફરી આવું થશે.

આ સંયોગ બે મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના એકસાથે આયોજનને કારણે બન્યો છે. 3 ઓક્ટોબરે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે શ્રેણીની ત્રીજી મેચ રમશે. આ મુકાબલો ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં યોજાશે. તે જ દિવસે જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં પુરુષોની ક્રિકેટ સ્પર્ધામાં ભારત મેડલ માટેની મેચ રમશે.

એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતને સીધી એન્ટ્રી મળી છે. જો ટીમ મેડલ મેચ સુધી પહોંચે છે, તો તેણે તે જ દિવસે બીજી મેચ રમવી પડશે. એશિયન ગેમ્સની આ મેચ જાપાનના નિશિન શહેરમાં આવેલા કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે યોજાશે.

બે અલગ-અલગ સ્થળો પર મેચ હોવાથી ભારત બે અલગ-અલગ ટીમો મેદાનમાં ઉતારશે. એશિયન ગેમ્સ માટે શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ટીમની જાહેરાત થઈ ચૂકી છે. આ ટીમમાં ઈશાન કિશન, સંજુ સેમસન, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓનો સમાવેશ છે. આ ખેલાડીઓ એશિયન ગેમ્સમાં વ્યસ્ત હોવાથી વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં રમી શકશે નહીં. એટલે વેસ્ટ ઈન્ડિઝ સામે અલગ ટીમ રમતી જોવા મળશે.

આ પહેલા સપ્ટેમ્બર મહિનો પણ ભારતીય ટીમ માટે વ્યસ્ત રહેશે. ટીમ સપ્ટેમ્બરમાં કુલ છ મર્યાદિત ઓવરની મેચ રમશે. 13 સપ્ટેમ્બરથી દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી શરૂ થશે. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વનડે મેચ રમાશે. એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઇનલ પણ સપ્ટેમ્બરમાં જ છે.

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આવું અગાઉ 12 સપ્ટેમ્બર 1998ના રોજ થયું હતું. ત્યારે એક ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં રમી રહી હતી અને બીજી ટીમ સહારા કપમાં પાકિસ્તાન સામે મેદાનમાં હતી. તે દિવસે ભારતે બંને મેચ જીતી હતી. હવે ચાહકોને આશા છે કે 3 ઓક્ટોબરે પણ ભારત બંને મેચ જીતીને ઇતિહાસનું પુનરાવર્તન કરશે.