સત્ય. સાહસ. સંકલ્પ.

3 ઓક્ટોબરે ટીમ ઇન્ડિયાની એક જ દિવસે બે મેચ, 28 વર્ષ બાદ સંયોગ

3 ઓક્ટોબરે ટીમ ઇન્ડિયાની એક જ દિવસે બે મેચ, 28 વર્ષ બાદ સંયોગ

3 ઓક્ટોબર 2026ના રોજ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં 28 વર્ષ પછી અનોખો સંયોગ સર્જાશે. ટીમ ઇન્ડિયા એક જ દિવસે બે અલગ-અલગ દેશો સામે મેદાનમાં ઉતરશે. ન્યૂ ચંદીગઢના મુલ્લાંપુર ખાતે વેસ્ટઇન્ડીઝ સામે ત્રીજી વનડે રમાશે, જ્યારે જાપાનના નિશિન સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં 2026 એશિયન ગેમ્સની ફાઇનલ મેચ હશે, જેમાં શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની અલગ ટીમ રમશે.

આ પહેલા 1998માં આવું બન્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમ માટે 3 ઓક્ટોબરનો દિવસ ખાસ રહેશે.

સપ્ટેમ્બર મહિનામાં ટીમ ઇન્ડિયા કુલ 6 મર્યાદિત ઓવરોની મેચ રમશે. 13 સપ્ટેમ્બરથી દિલ્હી ખાતે અફઘાનિસ્તાન સામે 3 ટી20 મેચોની શ્રેણી રમાશે. મહિનાના અંતમાં વેસ્ટઇન્ડીઝ સામે 2 વનડે મેચ અને એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઇનલ મેચ પણ રમવાની છે.

એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં પસંદ થયેલા ખેલાડીઓ વેસ્ટઇન્ડીઝ સામેની વનડે શ્રેણીમાં નહીં રમે. એશિયન ગેમ્સમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન શ્રેયસ અય્યર હશે, જ્યારે ટીમમાં અભિષેક શર્મા, સંજૂ સેમસન, ઇશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓ સામેલ છે.

અગાઉ 12 સપ્ટેમ્બર 1998ના રોજ કોમનવેલ્થ ગેમ્સ અને સહારા કપ દરમિયાન ટીમ ઇન્ડિયાએ એક જ દિવસે બે અલગ-અલગ મેચ રમીને બંનેમાં જીત મેળવી હતી.