જુલાઈ 2026માં ભારતના સંરક્ષણ સચિવે સ્પષ્ટ કહ્યું હતું કે સુખોઈ-57 ખરીદવાની કોઈ યોજના નથી. પણ માત્ર બે મહિના પછી, રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત દરમિયાન સુખોઈ-57 પર સોદાની ચર્ચા ફરી જોરશોરથી ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનને ડિસેમ્બર 2026 સુધીમાં ચીન પાસેથી 5મી પેઢીનું જેટ મળવાનું છે. તો ભારત ફરીથી આ જ Su-57 સ્ટીલ્થ ફાઈટર ખરીદવા પર કેમ પાછું આવ્યું, તેની સંપૂર્ણ વાર્તા આજના એક્સપ્લેનરમાં.
સવાલ-1: સુખોઈ-57ને લઈને ભારતનું વલણ કેવી રીતે બદલાતું રહ્યું છે?
ભારતે 1990ના દાયકાથી રશિયા પાસેથી લગભગ 400 સુખોઈ-30 અને સુખોઈ-30MKI વિમાનો ખરીદ્યા છે. આમાંથી લગભગ અડધા વિમાનો રશિયા સાથે મળીને ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના પ્લાન્ટમાં બનાવવામાં આવ્યા છે.
2007માં બંને દેશો વચ્ચે ‘ફિફ્થ જનરેશન ફાઇટર એરક્રાફ્ટ’ એટલે કે FGFA કરાર થયો. આ અંતર્ગત રશિયન કંપની સુખોઈ અને HALને મળીને 5મી જનરેશનનું ફાઇટર જેટ બનાવવાનું હતું. 2010માં ભારત શરૂઆતી ડિઝાઇન માટે લગભગ 1,897 કરોડ રૂપિયા આપવા સંમત થયું. પછી ભારતે જેટમાં સ્ટીલ્થ ટેકનોલોજી (દુશ્મનના રડારની નજરથી બચવાની ક્ષમતા) અને રડાર સંબંધિત 40થી વધુ ફેરફારોની માંગ કરી. લાંબી વાતચીત છતાં પ્રોજેક્ટ અટકી રહ્યો.
ફેબ્રુઆરી 2018માં ભારતે પ્રોજેક્ટ છોડવાનો નિર્ણય કર્યો. ભારતીય વાયુસેનાને સુખોઈ-57ની સ્ટીલ્થ ટેકનોલોજી પર ભરોસો નહોતો. ભારત જે પ્રકારનું ટુ-સીટર, એડવાન્સ્ડ રડાર અને સેન્સરવાળું સુખોઈ-57 ઇચ્છતું હતું, તે રશિયાના મૂળ ફિફ્થ જનરેશન એરક્રાફ્ટ PAK-FA કરતાં ઘણું અલગ અને મોંઘું હતું. ખર્ચમાં ભાગીદારી અને ટેકનોલોજી શેરિંગને લઈને પણ મતભેદ હતા. જોકે રશિયાએ સુખોઈ-57નું ઉત્પાદન ચાલુ રાખ્યું અને 2020માં તેને પોતાની સેનામાં સામેલ કર્યું.
ફેબ્રુઆરી 2025માં બેંગલુરુમાં એર શો દરમિયાન રશિયાએ સુખોઈ-57Eની ઉડાન બતાવી અને ભારતને એક ‘ગોલ્ડન ઓફર’ આપી કે ભારતને તૈયાર વિમાનોનો પુરવઠો મળશે, ભારતમાં પણ સુખોઈ બનશે અને રશિયા ભારતના ‘એડવાન્સ્ડ મીડિયા કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ’ એટલે કે AMCA હેઠળ સ્વદેશી 5મી જનરેશન એરક્રાફ્ટ બનાવવામાં પણ મદદ કરશે.
સપ્ટેમ્બર 2025માં ચર્ચા થઈ કે બે સ્ક્વોડ્રન એટલે કે લગભગ 40 સુખોઈ-57 રશિયાથી ‘ફ્લાય-અવે’ કન્ડિશનમાં આવશે અને 3થી 5 સ્ક્વોડ્રન HAL અને સુખોઈ મળીને નાસિક પ્લાન્ટમાં બનાવશે.
ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવના જણાવ્યા અનુસાર, ‘મે 2025માં રશિયાએ એ પણ ઓફર કરી હતી કે રશિયા 100% ટેકનોલોજી ટ્રાન્સફર કરશે અને સુખોઈના બે સીટવાળા વર્ઝન ‘સુખોઈ-57E’નું ભારતમાં જ ઉત્પાદન થશે. તેનું રશિયન વર્ઝન ‘સુખોઈ-57D’ મે 2026માં તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ કરી ચૂક્યું છે.’
4-5 ડિસેમ્બર 2025ના રોજ પુતિનના ભારત આગમન પહેલાં તેમના પ્રેસ સેક્રેટરી દમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે સુખોઈ-57 અને S-400/500 એર ડિફેન્સ સિસ્ટમનો સોદો પીએમ મોદી અને પુતિનની મુલાકાતનો મુખ્ય એજન્ડા છે. જોકે, સુખોઈ-57 પર કોઈ નિર્ણય લીધા વિના જ પુતિન પાછા ફર્યા.
માર્ચ 2026માં ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે ફાઇટર જેટ્સને લઈને રશિયા, અમેરિકા અને ફ્રાન્સની ઓફરો પર વિચારણા કરવામાં આવી રહી છે. જોકે, જુલાઈ 2026માં રાજેશે કહ્યું, ‘ભારતની સુખોઈ-57 ખરીદવાની કોઈ યોજના નથી. અમારું ધ્યાન સુખોઈ-MKIને અપગ્રેડ કરવા પર છે.’
હવે ફરીથી પુતિનની યાત્રા દરમિયાન ચર્ચા છે કે ભારત 75 સુખોઈ-57E જેટ્સ ખરીદી શકે છે. 11 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મળ્યા. પુતિન BRICS સમિટ માટે ભારત આવ્યા છે.
સવાલ-2: ભારતની શોધ પાછી સુખોઈ-57 પર કેમ અટકી ગઈ છે?
4 કારણોસર ભારતને સુખોઈ-57E જેવા એડવાન્સ્ડ ફાઈટર જેટ્સની જરૂર છે…
1. ફાઈટર સ્ક્વોડ્રનની જરૂરિયાતની સરખામણીમાં અડધા રહી ગયા
ભારતીય વાયુસેના પાસે લડાકુ જેટ્સના 42 સ્ક્વોડ્રન હોવા જોઈએ. એક સ્ક્વોડ્રનમાં લગભગ 20 લડાકુ વિમાન હોય છે. સરકાર સ્ક્વોડ્રન ક્ષમતાને 50થી 60 સુધી વધારવા માંગે છે, જ્યારે હાલમાં એરફોર્સ પાસે ફક્ત 29 સ્ક્વોડ્રન છે. આમાંથી 6 સ્ક્વોડ્રનમાં જૂના ‘SEPECAT જગુઆર’ ફાઇટર જેટ્સ છે, જે નિવૃત્ત થવાના છે. મિગ-21 અને મિગ-27 જેવા જેટ્સ નિવૃત્ત થઈ ચૂક્યા છે. જ્યારે 260 Su-30MKI જેટ્સને નવા રડાર, સેન્સર લગાવીને અપગ્રેડ કરવાના છે. જોકે આ કાફલામાં કોઈ નવું વિમાન સામેલ થશે નહીં. આવી સ્થિતિમાં ભારતને એડવાન્સ્ડ ફાઇટર જેટ્સની જરૂર છે.