નવી દિલ્હી: અલ-નીનોની અસરને કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં અપૂરતા વરસાદથી આ વર્ષે ખાંડનું ઉત્પાદન ઘટીને ૨.૮ કરોડ ટન થવાની શક્યતા છે. આથી કેન્દ્ર સરકારે ઈથેનોલ બનાવવા માટે શેરડી અને ખાંડના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને શેરડીના રસ, ખાંડ, સુગર સિરપ અને બી-હૈવી ખોળમાંથી બનેલું ઈથેનોલ ન ખરીદવા નિર્દેશ આપ્યો છે.
આ નિર્ણયને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ૧,૧૦૦ કરોડ લીટર ઈથેનોલની ખરીદી માટે મકાઈ અને ચોખા જેવા અન્ય સ્રોતો પર આધાર રાખવો પડશે. સરકારના આ પગલાથી રાષ્ટ્રીય ગ્રીડમાંથી ૨૫૦ કરોડ લીટર ઈથેનોલનો પુરવઠો દૂર થઈ જવાની શક્યતા છે.
શક્તિશાળી અલ-નીનોને કારણે આ વર્ષનું ચોમાસું દાયકાનું સૌથી નબળું રહ્યું છે, જેના પરિણામે વિશ્વના બીજા સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશ ભારતમાં શેરડીનો પાક ઓછો રહેવાનો અંદાજ છે. નવી મોસમમાં પિલાણ માટે શેરડીની ઉપલબ્ધતા ઓછી રહેવાથી ખાંડનું ઉત્પાદન પણ ઘટવાની આશંકા છે.
ખાંડના ઓછા ઉત્પાદનને કારણે વર્તમાન વર્ષમાં ખાંડના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. છેલ્લા દસ દિવસમાં ખાંડના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂ. ૧,૦૦૦નો વધારો થયો છે. તહેવારો દરમિયાન ડીલરો દ્વારા સંગ્રહખોરી ટાળવા સરકારે ટ્રેડરો માટે ખાંડની સ્ટોક લિમિટ સહિતના પગલાં જાહેર કર્યા છે. ખાંડના ભાવ વધારાની સ્થિતિ આગામી વર્ષે પણ ચાલુ રહેવાની શક્યતા છે.
આથી અગાઉથી ચેતી ગયેલી સરકારે ૧ નવેમ્બરથી શરૂ થનારી નવી સિઝન પહેલાં જ ખાંડમાંથી બનેલું ઈથેનોલ ખરીદવા પર ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે ઈથેનોલ બનાવવા માટે ખાંડનો ઉપયોગ શૂન્ય કરવા નિર્દેશ આપ્યો છે.
સરકારી ઓઈલ કંપનીઓએ અંદાજે ૧,૧૦૦ કરોડ લીટર ઈથેનોલની ખરીદી માટે ટેન્ડર જાહેર કર્યા છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, મેંગ્લોર રિફાઈનરી અને નુમાલીગઢ રિફાઈનરી ૧ નવેમ્બર ૨૦૨૬થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૭ સુધીમાં ચાર તબક્કામાં ઈથેનોલની ખરીદી કરશે.
ઉદ્યોગ સંગઠન ઈન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ઈસ્મા)ના જણાવ્યા અનુસાર, આ વખતે કુલ અને ચોખ્ખું ખાંડ ઉત્પાદન લગભગ ૨.૮ કરોડ ટન રહેવાની શક્યતા છે. ગત સીઝનમાં ખાંડનું ઉત્પાદન ૩.૧ કરોડ ટન થયું હતું, જેમાંથી લગભગ ૩૦ લાખ ટન ખાંડ ઈથેનોલ ઉત્પાદન માટે વપરાઈ હતી. ઈસ્માના અંદાજ મુજબ ૨૦૨૬-૨૭ સીઝનમાં ખાંડનો વપરાશ ૨.૮૫ કરોડ ટનથી ૨.૯ કરોડ ટન વચ્ચે રહી શકે છે.
મહારાષ્ટ્રમાં શેરડીનું પિલાણ શરૂ થઈ ચૂક્યું હોવાથી ખાંડના ભાવ સ્થિર થવાની ધારણા છે, પરંતુ આવતા વર્ષે જૂન-જુલાઈ સુધીમાં ખાંડની અછત પૂરી કરવા માટે ઓછામાં ઓછી ૧૦ લાખ ટન આયાત કરવી પડી શકે છે. ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓછા ઉત્પાદનને કારણે ૨૦૨૬-૨૭ સીઝનની શરૂઆતમાં મિલો પાસે ખાંડનો ઓપનિંગ સ્ટોક ઘટીને ૩૫-૩૬ લાખ ટન થઈ ગયો છે, જે એક દાયકાથી વધુ સમયમાં સૌથી નીચો સ્તર છે.