કેન્દ્ર સરકારે પડોશી દેશોના નાગરિકો માટે પાસપોર્ટ અને વિઝાના નિયમો કડક બનાવતું નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગૃહ મંત્રાલયના આ નિર્ણયની અસર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવતા લઘુમતી સમુદાયોના લોકો તેમજ નેપાળ અને ભૂતાન થઈને મુસાફરી કરતા લોકો પર પડશે.
નવા નિયમો મુજબ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ બિન-મુસ્લિમ સમુદાયોના લોકોએ ભારતમાં રહેવા માટે યોગ્ય શ્રેણીનો વિઝા લેવો ફરજિયાત બન્યો છે. આ સમુદાયોમાં હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોનો સમાવેશ થાય છે.
આ નિયમ ખાસ કરીને એવા લોકોને લાગુ પડશે જેઓ ધાર્મિક ઉત્પીડન કે તેના ભયથી 31 ડિસેમ્બર 2024 સુધીમાં ભારત આવ્યા હતા અને જેમની પાસે કાયદેસર મુસાફરી દસ્તાવેજો નહોતા અથવા જેમના દસ્તાવેજોની મુદત પૂરી થઈ ગઈ હતી. બુધવારે જાહેર થયેલા નોટિફિકેશન પ્રમાણે, હવે આવા લોકોએ ભારતમાં વસવાટ માટે યોગ્ય વિઝા મેળવવો પડશે. અગાઉ સપ્ટેમ્બર 2025ના આદેશમાં આ સમુદાયોને પાસપોર્ટ અને વિઝાની શરતોમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
નેપાળ અને ભૂતાન માર્ગે આવતા લોકો માટે પણ નિયમો કડક બનાવાયા છે. હવે ભારત, નેપાળ અને ભૂતાનના નાગરિકોએ એકબીજાના દેશમાં આવ-જા માટે 'વિઝા મેન્યુઅલ' હેઠળ નક્કી કરાયેલા માન્ય ઓળખકાર્ડ દર્શાવવા પડશે. જો કોઈ ભારતીય નાગરિક નેપાળ કે ભૂતાન થઈને ત્રીજા દેશમાં જઈ રહ્યો હોય, તો તેની પાસે માન્ય પાસપોર્ટ હોવો જરૂરી છે અને તેણે નક્કી કરેલા ચેકપોઈન્ટ્સ પરથી જ પસાર થવું પડશે.
વધુમાં, નેપાળ અને ભૂતાનના નાગરિકો જો ચીન, પાકિસ્તાન, હોંગકોંગ કે મકાઉ થઈને ભારત આવી રહ્યા હોય, તો તેમના માટે પણ માન્ય પાસપોર્ટ અને વિઝા દર્શાવવા ફરજિયાત બનાવાયા છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે ભારતમાં રહેતા શ્રીલંકન તમિલ શરણાર્થીઓ અને તિબેટીયન નાગરિકો માટે પાસપોર્ટ અને વિઝા સંબંધિત કાનૂની છૂટછાટો યથાવત રાખી છે.