ભારત સરકારે વિદેશી નાગરિકો માટે વિઝા પ્રક્રિયાને સરળ અને વ્યવસ્થિત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિઝાની મુખ્ય શ્રેણીઓની સંખ્યા 13થી ઘટાડીને 9 અને ઉપ-શ્રેણીઓની સંખ્યા 49થી ઘટાડીને 23 કરી છે. આ ઉપરાંત વિઝા અરજી ફોર્મમાં ભરવાના કોલમની સંખ્યામાં પણ 65થી 70 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી અરજદારોનો સમય બચે અને પ્રક્રિયા ઝડપી બને.
ગૃહ મંત્રાલયે આ ફેરફારો વિકસિત દેશોની વિઝા પ્રણાલીઓ અને આંતરરાષ્ટ્રીય ધોરણોનો અભ્યાસ કર્યા બાદ કર્યા છે. અગાઉ ઓક્ટોબર 2025માં પણ વિઝા વ્યવસ્થામાં સુધારા કરવામાં આવ્યા હતા. નવી સંશોધિત વ્યવસ્થા 2026ના અંત સુધીમાં સંપૂર્ણપણે અમલમાં આવશે, જેના માટે આઈટી સિસ્ટમને અપડેટ કરવામાં આવી રહી છે. હાલમાં વિશ્વના 172 દેશોના નાગરિકોને ભારતની ઈ-વિઝા સુવિધા ઉપલબ્ધ છે.
નવી વ્યવસ્થા હેઠળ વિઝાની નવ મુખ્ય શ્રેણીઓ રહેશે: બિઝનેસ, ડિપ્લોમેટિક, વર્ક, જર્નલિસ્ટ, મેડિકલ, ઓફિશિયલ, સ્ટુડન્ટ, વિઝિટર અને મિસલેનિયસ.
મુખ્ય ફેરફારોમાં, ટૂરિસ્ટ વિઝાનું નામ બદલીને 'વિઝિટર વિઝા' કરવામાં આવ્યું છે, જેમાં પરંપરાગત પ્રવાસન ઉપરાંત અન્ય ગતિવિધિઓનો સમાવેશ થાય છે. તેને V-1 અને V-2 એમ બે ઉપ-શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યો છે. V-1 વિઝા 30 દિવસ માટે મલ્ટિપલ એન્ટ્રી સાથે મળશે, જેમાં બિઝનેસ મીટિંગ, મેડિકલ પરામર્શ, વેલનેસ અને ટૂંકા અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. V-2 વિઝા લાંબા ગાળાની યાત્રાઓ, પર્વતારોહણ અને અન્ય શરતો સાથે 1થી 10 વર્ષ સુધી મળી શકશે.
મેડિકલ અને આયુષ વિઝા હેઠળ, આધુનિક ચિકિત્સા માટે M-1 અને આયુષ પદ્ધતિઓથી સારવાર માટે M-3 વિઝાની અલગ જોગવાઈ કરવામાં આવી છે. દર્દીઓના સહાયકો માટે M-2 અને M-4 વિઝા મળશે, જેમાં ડિફોલ્ટ રૂપે એક વર્ષ અને મલ્ટિપલ એન્ટ્રીની સગવડ રહેશે, જેથી વારંવાર અરજી ન કરવી પડે.
વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાને S-1 (શાળા, સ્નાતક, અનુસ્નાતક) અને S-2 (પીએચડી, સંશોધન, મુલાકાતી ફેકલ્ટી, ઇન્ટર્નશિપ) એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. 'સ્ટડી ઈન ઇન્ડિયા' પોર્ટલ દ્વારા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને 5 વર્ષ સુધીનો ઈ-S-1 મલ્ટિપલ એન્ટ્રી વિઝા મળી શકશે.
બિઝનેસ વિઝાને B-1 (ઉદ્યોગ સ્થાપના માટે) અને B-2 (ટૂંકા ગાળાના કોન્ટ્રાક્ટ, પ્રોડક્શન ઇન્વેસ્ટમેન્ટ, ફિલ્મ નિર્માણ)માં વહેંચવામાં આવ્યા છે. ભારતીય કંપનીઓમાં મશીનોની સ્થાપના કે ટેકનિકલ સહાય માટે આવતા વિશેષજ્ઞો અને ઇજનેરોને પણ B-2 શ્રેણી હેઠળ સરળતાથી ઈ-વિઝા મળશે.
મિસલેનિયસ વિઝા હેઠળ ભારતીય મૂળના વ્યક્તિઓ, તેમના જીવનસાથી, બાળકો, ઓરોવિલ ફાઉન્ડેશન સાથે જોડાયેલા લોકો અને અફઘાન નાગરિકો માટેના સ્ટે વિઝા તથા લાંબા ગાળાના વિઝાના પ્રાવધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.