ભારતમાં સ્કૂટરની માંગ સતત વધી રહી છે. ઓગસ્ટ 2026માં દેશના ટોચના 10 સૌથી વધુ વેચાતા સ્કૂટરોએ કુલ 7,11,435 યુનિટનું વેચાણ કર્યું છે. ગત વર્ષના એ જ મહિનામાં 5,89,483 યુનિટ વેચાયા હતા. એટલે કે વાર્ષિક ધોરણે 21 ટકાનો વધારો થયો છે. ટુ-વ્હીલર ઉદ્યોગ માટે આ સકારાત્મક સંકેત છે.
આ યાદીમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ચાર સંપૂર્ણ ઇલેક્ટ્રિક સ્કૂટર પણ ટોપ-10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. તેમાં TVS iQube, બજાજ ચેતક, હીરો વિદા અને એથર રિઝતાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2026ની યાદીમાં એક પણ સ્કૂટરનું વાર્ષિક વેચાણ ઘટ્યું નથી.
હોન્ડા એક્ટિવાએ હંમેશની જેમ આ સેગમેન્ટમાં લગભગ 30 ટકા બજાર હિસ્સા સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ઓગસ્ટ 2026માં એક્ટિવાનું જથ્થાબંધ વેચાણ 2.55 લાખ યુનિટથી વધુ રહ્યું, જે ગત વર્ષના 2.44 લાખ યુનિટ કરતાં 5 ટકા વધુ છે.
ટીવીએસ જ્યુપિટર 1.47 લાખ યુનિટથી વધુ વેચાણ સાથે બીજા સ્થાને રહ્યું. ગત વર્ષે આ સ્કૂટરના 1.42 લાખ યુનિટ વેચાયા હતા, એટલે કે 4 ટકાનો વધારો નોંધાયો. એક્ટિવાની જેમ જ્યુપિટર પણ 110cc અને 125cc એમ બે એન્જિન વિકલ્પમાં ઉપલબ્ધ છે.
હોન્ડા એક્ટિવા 6G અને એક્ટિવા 125 એમ બે વેરિઅન્ટમાં મળે છે. એક્ટિવા 6Gમાં 109.5 સીસી એન્જિન છે, જે 7.68 બીએચપી પાવર ઉત્પન્ન કરે છે. એક્ટિવા 125માં 124 સીસી એન્જિન છે, જે 8.18 બીએચપી મહત્તમ પાવર આપે છે. કંપની એચ-સ્માર્ટ મોડેલ પણ ઓફર કરે છે. એક્ટિવા 125 માટે પ્રતિ લિટર 60 કિલોમીટર સુધીની માઇલેજનો દાવો કરવામાં આવે છે. તેની કિંમત ₹76,083 (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે.