સત્ય. સાહસ. સંકલ્પ.

ગામડાંમાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરોમાં આ પ્રમાણ અડધું થી પણ ઓછું

ગામડાંમાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરોમાં આ પ્રમાણ અડધું થી પણ ઓછું

ભારતમાં ગરીબી ઘટી છે એ વાત સાચી છે, પણ ગામડાં અને શહેરો વચ્ચેનું અંતર હજુ ઘટ્યું નથી. વિશ્વ બેંકના તાજેતરના આંકડા દર્શાવે છે કે ગ્રામીણ ભારતમાં દર પાંચમાંથી એક વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે, જ્યારે શહેરોમાં આ પ્રમાણ દર 12માંથી એક વ્યક્તિનું છે.

એપ્રિલ 2026માં વિશ્વ બેંકે બહાર પાડેલા ડેટા મુજબ, વર્ષ 2023-24 દરમિયાન ગ્રામીણ ભારતમાં ગરીબીનું પ્રમાણ 19.3 ટકા હતું, જ્યારે શહેરી ભારતમાં આ પ્રમાણ 8.6 ટકા નોંધાયું હતું. આ ગણતરી દરરોજ 4.20 ડોલરની આવકને ગરીબી રેખા માનીને કરવામાં આવી છે.

સરળ ભાષામાં કહીએ તો, ગામડાંમાં દર 100માંથી લગભગ 19 લોકો ગરીબ છે, જ્યારે શહેરોમાં દર 100માંથી માત્ર 9 લોકો ગરીબ છે. એટલે કે ગામડાંમાં ગરીબીનું પ્રમાણ શહેરો કરતાં બમણાથી પણ વધારે છે.

ગામડાંમાં ગરીબી વધુ કેમ?

ગામડાંમાં વધુ ગરીબી પાછળનું મુખ્ય કારણ બેરોજગારી છે. ગામડાંની મોટાભાગની વસ્તી હજુ ખેતી પર જ આધારિત છે. શહેરોમાં નોકરી, વ્યવસાય અને કામકાજની તકો વધારે હોય છે, જ્યાં લોકો સારો પગાર મેળવી શકે છે.

ગરીબી ખરેખર કેટલી ઘટી?

વિશ્વ બેંકના જણાવ્યા મુજબ, દરરોજ 4.20 ડોલરની ગરીબી રેખાના આધારે 2011-12માં ભારતમાં ગરીબીનું પ્રમાણ 57.7 ટકા હતું, જે 2023-24માં ઘટીને 16.1 ટકા થયું. એટલે કે છેલ્લા 12 વર્ષમાં ગરીબીમાં મોટો ઘટાડો થયો છે.

આમ છતાં, 2023-24માં પણ દેશના આશરે 23.2 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા હતા. આ દર્શાવે છે કે ગરીબી ઘટી હોવા છતાં એક મોટો વર્ગ આજે પણ રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા સંઘર્ષ કરી રહ્યો છે. અત્યંત ગરીબીની વાત કરીએ તો, દરરોજ 3 ડોલરની આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા પ્રમાણે ગરીબી 2011-12ના 27.1 ટકાથી ઘટીને 2023-24માં 2.6 ટકા થઈ છે.

શિક્ષણ અને ગરીબીનો સંબંધ

આ આંકડા દર્શાવે છે કે શિક્ષણ અને ગરીબી વચ્ચે સીધો સંબંધ છે. 2023ના ડેટા મુજબ, જે લોકો નિરક્ષર હતા તેમનામાં ગરીબીનું પ્રમાણ 21.3 ટકા હતું, જ્યારે માધ્યમિક શિક્ષણ મેળવનારાઓમાં આ પ્રમાણ ઘટીને માત્ર 7.4 ટકા હતું.

બહુપરિમાણીય ગરીબી એટલે શું?

ગરીબીને માત્ર ઓછી આવક સાથે જોડી શકાય નહીં. ઘણી વખત પરિવારની આવક સારી હોય, છતાં સારું શિક્ષણ, પૂરતી આરોગ્ય સેવા, પીવાનું શુદ્ધ પાણી, વીજળી જેવી પાયાની સુવિધાઓ હોતી નથી. આ સ્થિતિને બહુપરિમાણીય ગરીબી કહેવાય છે.

તાજેતરના મીડિયા રિપોર્ટ્સ મુજબ, 2023માં ભારતની લગભગ 15.5 ટકા વસ્તી બહુપરિમાણીય ગરીબીમાં જીવી રહી હતી. એટલે કે ગરીબીનો સાચો ખ્યાલ મેળવવા માટે માત્ર આવક જ નહીં, પણ લોકોને મળતી પાયાની સુવિધાઓ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.