સત્ય. સાહસ. સંકલ્પ.

સપ્ટેમ્બરમાં મોંઘવારી 5%ને પાર જવાની ધારણા, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો

સપ્ટેમ્બરમાં મોંઘવારી 5%ને પાર જવાની ધારણા, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો

દેશમાં છૂટક મોંઘવારીના આંકડા આજે એટલે કે 12 ઓક્ટોબરે જાહેર થશે. નિષ્ણાતોના અંદાજ પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારીનો દર 5%થી વધુ રહી શકે છે. આનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલો વધારો છે. આ પહેલાં ઓગસ્ટ મહિનામાં છૂટક મોંઘવારી 4.82% પર હતી.

મોંઘવારી વધે કે ઘટે તે મુખ્યત્વે વસ્તુઓની માગ અને પુરવઠા પર આધાર રાખે છે. જ્યારે લોકો પાસે વધુ પૈસા હોય ત્યારે તેઓ વધુ વસ્તુઓ ખરીદે છે. તેનાથી વસ્તુઓની માગ વધે છે અને જો પુરવઠો પૂરતો ન હોય તો ભાવ વધી જાય છે. જ્યારે માગ ઓછી અને પુરવઠો વધુ હોય ત્યારે ભાવ ઘટે છે.

મોંઘવારીનો દર 5% હોવાનો શું અર્થ થાય? જ્યારે આપણે કહીએ છીએ કે સપ્ટેમ્બર 2026માં મોંઘવારી 5% છે, ત્યારે તેની સરખામણી આપણે સપ્ટેમ્બર 2025 સાથે કરી રહ્યા છીએ. આ એક વર્ષ દરમિયાન થયેલો ફેરફાર છે. આ 5% એક સરેરાશ આંકડો છે, જેને 'કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ' કહેવામાં આવે છે. તેમાં રોજિંદા જીવનની જરૂરી ઘણી વસ્તુઓ સામેલ હોય છે. એમાં કોઈ વસ્તુના ભાવ ખૂબ વધ્યા હોય શકે છે, તો કોઈના ભાવ ઘટ્યા પણ હોય શકે છે. આ બધાને એકસાથે ગણતરીમાં લેતાં સરેરાશ ખર્ચ 5% વધ્યો છે.

તેનું ગણિત એકદમ સીધું છે. જો સપ્ટેમ્બર 2025માં તમે કોઈ સામાન, જેમ કે કરિયાણું, ₹100માં ખરીદ્યું હતું, તો એ જ સામાન સપ્ટેમ્બર 2026માં ₹105નો થઈ ગયો છે.