દેશમાં ઑગસ્ટ મહિનામાં છૂટક મોંઘવારી વધીને 4.82% થઈ છે, જે જુલાઈમાં 4.45% હતી. સરકારે સોમવારે આ આંકડા જાહેર કર્યા છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધવાને કારણે મોંઘવારી પર દબાણ વધ્યું છે.
ઑગસ્ટમાં ખાદ્ય મોંઘવારી દર જુલાઈના 5.52%થી વધીને 5.95% થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી 5.64% અને શહેરી વિસ્તારોમાં 6.13% નોંધાઈ છે.
શાકભાજીમાં ડુંગળી અને લસણના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ડુંગળીની મોંઘવારી દર જુલાઈના 22.54%થી વધીને ઑગસ્ટમાં 48.27% થઈ ગયો છે. લસણની મોંઘવારી દર 35.36%થી વધીને 43.60% પર પહોંચી છે. જ્યારે આદુના ભાવમાં થોડી રાહત થઈ છે; તેનો દર 83.57%થી ઘટીને 73.82% થયો છે.
કેટલીક શાકભાજીના ભાવમાં ઘટાડો પણ નોંધાયો છે. ટામેટાના ભાવમાં 31.09%નો ઘટાડો થયો છે, જ્યારે જુલાઈમાં આ ઘટાડો 4.60% હતો. બટાકાની મોંઘવારી દર -13.14% રહી છે, જે જુલાઈના -16.56% કરતાં ઓછી ઘટાડાની સ્થિતિ દર્શાવે છે. ભીંડાના ભાવમાં પણ 5.41%નો ઘટાડો થયો છે.
ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. ઘરેલુ બજારમાં ભાવ નિયંત્રણમાં રાખવા માટે ભારતે ખાંડની નિકાસ પર મૂકેલો પ્રતિબંધ સપ્ટેમ્બરના અંત સુધી ચાલુ રહેશે. ખાંડના ભાવમાં વધારો પણ મોંઘવારી પર દબાણ વધારતું પરિબળ બન્યું છે.
આગામી સમયમાં મોંઘવારીનો ટ્રેન્ડ મુખ્યત્વે ચોમાસાની સ્થિતિ અને કૃષિ ઉત્પાદન પર આધાર રાખશે. સામાન્ય ચોમાસાથી પાકનું ઉત્પાદન સારું રહેવાની અને ખાદ્ય ચીજોના ભાવ નિયંત્રણમાં રહેવાની શક્યતા છે. અનિયમિત વરસાદ અથવા હવામાનમાં ફેરફારથી કૃષિ ઉત્પાદનોના ભાવ પર દબાણ વધી શકે છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ પણ ભારત માટે જોખમ બની શકે છે; ક્રૂડ ઓઇલના ભાવ વધે તો ઇંધણ અને પરિવહન ખર્ચ વધવાની સાથે આયાતી મોંઘવારીનું દબાણ પણ વધી શકે છે.
આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 (FY27) માટે મોંઘવારીનો અંદાજ અગાઉના 5.1%થી ઘટાડીને 5% કર્યો છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ અને સપ્લાય સંબંધિત દબાણમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ અંદાજમાં ફેરફાર કર્યો હતો. આરબીઆઈના અનુમાન મુજબ, નજીકના સમયમાં હેડલાઇન મોંઘવારીમાં વધારો થઈ શકે છે અને ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળી શકે છે.