સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારાને લઈને ભારતે ફરી એકવાર કડક વલણ દર્શાવ્યું છે. ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત હરીશ પર્વથનેનીએ સ્પષ્ટ જણાવ્યું છે કે વીટો પાવર વિનાની સ્થાયી સદસ્યતા 'સેકન્ડ ક્લાસ' સ્ટેટસ બરાબર છે અને ભારત તેનો ક્યારેય સ્વીકાર નહીં કરે.
સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આંતર-સરકારી વાટાઘાટોની પૂર્ણ બેઠક દરમિયાન 'વીટોના સવાલ' પર બોલતા, રાજદૂત પર્વથનેનીએ જણાવ્યું હતું કે, “જ્યાં સુધી વીટોની જોગવાઈ અસ્તિત્વમાં છે, ત્યાં સુધી સુરક્ષા પરિષદના તમામ કાયમી સભ્યો પાસે આ અધિકાર હોવો જોઈએ. ન્યાય અને નિષ્પક્ષતાની માંગ છે કે તમામ કાયમી સભ્યો પાસે સમાન અધિકારો અને જવાબદારીઓ હોય.”
તેમણે કહ્યું, “વીટો અંગે ભારતનું વલણ સિદ્ધાંતો પર આધારિત છે તે સૌ જાણે છે. અમે ફરી જણાવીએ છીએ કે જ્યાં સુધી વીટોની જોગવાઈ છે ત્યાં સુધી સુધારા બાદ બનનારી પરિષદના તમામ સ્થાયી સદસ્યો પાસે આ અધિકાર હોવો જોઈએ.”
પર્વથનેનીએ કહ્યું કે સુરક્ષા પરિષદમાં સુધારા હેઠળ વિટો વિનાની દીર્ઘકાલીન સદસ્યોની એક નવી કેટેગરી બનાવવી, તેને સેકન્ડ ક્લાસનું સદસ્ય બનાવી દેશે. તેનાથી P5 (5 સ્થાયી સદસ્યો)ની નિર્ણય લેવાની પ્રક્રિયામાં કોઈ ફેરફાર આવશે નહીં.
તેમણે વધુમાં કહ્યું કે કાયમી સભ્યોની નવી શ્રેણી સ્થાપિત કરવી ભલે તેમાં વીટો સત્તા હોય કે ન હોય તે પહેલેથી જ જટિલ ચર્ચાને વધુ ગૂંચવી નાખશે. આનાથી તો “તે અસમાનતા વધુ ઊંડી બનશે જેને આપણે દૂર કરવા માંગીએ છીએ.”
ભારતના રાજદૂતે જણાવ્યું, “સમયાંતરે યોજાતી ચૂંટણીઓ અને કાયમી સભ્યપદની વિભાવનાઓ મૂળભૂત રીતે એકબીજાથી વિરોધાભાસી છે.”
તેમણે ટિપ્પણી કરી, “ઇતિહાસ આપણને એક બોધપાઠ આપે છે.” તેમણે યાદ અપાવ્યું કે જ્યારે 1965માં સુરક્ષા પરિષદનો વિસ્તાર કરવામાં આવ્યો, ત્યારે અસ્થાયી સભ્યોની સંખ્યા 6 થી વધારીને 10 કરવામાં આવી હતી, જ્યારે કાયમી સભ્યોની સંખ્યા 5 જ રહી હતી.
પર્વથનેનીએ નોંધ્યું કે આનાથી કાયમી અને ચૂંટાયેલા સભ્યોનું પ્રમાણ 5:6 થી બદલાઈને 5:10 થઈ ગયું, જેનાથી 'P5' (પાંચ કાયમી સભ્યો)ની સ્થિતિ વધુ મજબૂત બની.
ભારતીય રાજદ્વારીએ ભારપૂર્વક જણાવ્યું કે વીટો (નિષેધાધિકાર)ને મર્યાદિત કરવાના મુદ્દાને સુરક્ષા પરિષદના સુધારાના અન્ય પાસાઓ જેમ કે સભ્યપદની શ્રેણીઓ, પ્રાદેશિક પ્રતિનિધિત્વ, પરિષદનું કદ અને તેની કાર્યપદ્ધતિથી અલગ રાખીને વિચારી શકાય નહીં.
તેમણે કહ્યું, “ભારત સુરક્ષા પરિષદના સુધારા માટે એક વ્યાપક અભિગમ અપનાવવાની પોતાની માંગનું પુનરાવર્તન કરે છે. આ પ્રક્રિયા લેખિત પ્રસ્તાવો પર આધારિત વાટાઘાટોથી શરૂ થવી જોઈએ, જેમાં સ્પષ્ટ સમયમર્યાદા અને નિર્ધારિત ઉદ્દેશ્યોનો સમાવેશ હોવો જોઈએ.”
ભારતે પરિષદની કાર્યપદ્ધતિ અંગે ચર્ચા કરતા જણાવ્યું કે “વીટો” (નિષેધાધિકાર) માત્ર કાયમી સભ્યો દ્વારા ઔપચારિક રીતે આપવામાં આવેલા મત પૂરતો જ સીમિત નથી.
ભારતે સતત કાયમી અને બિન-કાયમી બંને શ્રેણીઓમાં સભ્યપદના વિસ્તરણની હિમાયત કરી છે. વધુમાં, ભારતે ચેતવણી આપી છે કે જો સુધારાના પ્રયાસો માત્ર બિન-કાયમી સભ્યોની સંખ્યા વધારવા સુધી જ સીમિત રાખવામાં આવે, તો તેને વાસ્તવમાં એક નિષ્ફળતા જ ગણવામાં આવશે.
સુરક્ષા પરિષદમાં સુધારા લાવવાના લાંબા સમયથી ચાલતા પ્રયાસોમાં નવી દિલ્હી અગ્રણી રહ્યું છે. ભારતનું માનવું છે કે 1945માં સ્થપાયેલી આ સંસ્થા 21મી સદી માટે યોગ્ય નથી અને તે વર્તમાન ભૌગોલિક-રાજકીય વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવામાં નિષ્ફળ રહી છે.
ભારતે વારંવાર એ વાત પર ભાર મુક્યો કે સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક મેળવવા માટે તે સંપૂર્ણ હકદાર છે.