સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને તેના સંગઠન D-કંપનીને 'ભારત આધારિત' ગુનાહિત સંગઠન ગણાવવામાં આવ્યું છે. ભારતે આ રિપોર્ટ પર સખત વાંધો ઉઠાવ્યો છે અને તેમાં તથ્યાત્મક ભૂલો હોવાનું જણાવ્યું છે. ભારતનું કહેવું છે કે આવી બેદરકારી સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ રઘુ પુરીએ બુધવારે મહાસભાની ત્રીજી સમિતિમાં ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. આતંકવાદનો સામનો કરતી વખતે માનવાધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓના રક્ષણ માટે નિયુક્ત વિશેષ અહેવાલકર્તા બેન સૉલના અહેવાલના સંદર્ભમાં ભારતે આ વાંધો ઉઠાવ્યો હતો.
રઘુ પુરીએ કહ્યું કે વિશેષ અહેવાલકર્તા દ્વારા તથ્યાત્મક ભૂલો ધરાવતા અહેવાલો રજૂ કરવામાં આવે અને તેના માટે કોઈ જવાબદારી નક્કી ન થાય, તે અસ્વીકાર્ય છે. તેમણે ઉમેર્યું કે આવી સ્થિતિ સંયુક્ત રાષ્ટ્ર માટે દુર્ભાગ્યપૂર્ણ છે, જે પહેલેથી જ તેની વિશ્વસનીયતા અંગેના પડકારોનો સામનો કરી રહી છે.
બેન સૉલના અહેવાલમાં જણાવાયું હતું કે 2003માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અલ-કાયદા સાથેના સંબંધોને કારણે D-કંપનીના વડાને પ્રતિબંધોની યાદીમાં સામેલ કર્યો હતો. પુરીએ કહ્યું કે આ વાતને અલગથી વાંચવાથી વાસ્તવિક સ્થિતિનું ખોટું ચિત્ર ઊભું થાય છે.
ભારતે D-કંપનીને ભારતીય ગણાવવાના દાવાને ફગાવી દીધો છે. પુરીએ જણાવ્યું કે દાઉદ ઇબ્રાહિમ 1993ના આતંકી હુમલાઓ મામલે ભારતમાં વોન્ટેડ છે. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની અલ-કાયદા પ્રતિબંધ વ્યવસ્થા હેઠળ દાઉદને યાદીમાં સામેલ કરવાના કારણોમાં આ બાબત સ્પષ્ટ રીતે નોંધાયેલી છે. પુરીએ કહ્યું કે આ હકીકતનો ઉલ્લેખ ન કરવો ખેદજનક છે અને વિશેષ અધિકાર ધરાવતા લોકોની આવી બેદરકારી સંયુક્ત રાષ્ટ્રને મોટું નુકસાન પહોંચાડે છે.
પુરીએ વધુમાં કહ્યું કે દાઉદ 2003માં પ્રતિબંધોની યાદીમાં સામેલ થયો તેના ઘણા સમય પહેલાં જ ભારત છોડીને ભાગી ગયો હતો. દેશની બહાર રહેતી વખતે અલ-કાયદા અને ઓસામા બિન લાદેન સાથેના સંબંધોને કારણે તેને યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની યાદી મુજબ દાઉદ તે જ દેશમાં છુપાયો છે, જ્યાં અલ-કાયદાનો વડો ઓસામા બિન લાદેન મળી આવ્યો હતો અને માર્યો ગયો હતો. આ સંદર્ભ પાકિસ્તાન તરફ હતો. વર્ષ 2011માં પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકી નેવી સીલ્સની કાર્યવાહી દરમિયાન ઓસામા બિન લાદેન માર્યો ગયો હતો.