સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં તુર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કાશ્મીર અંગે કરેલી ટિપ્પણીને ભારતે સખત રીતે ફગાવી દીધી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને આ બાબત ભારતની પ્રાદેશિક અખંડિતતા તથા સાર્વભૌમત્વ સાથે જોડાયેલી છે. આ મુદ્દે કોઈપણ બાહ્ય પક્ષનો કોઈ અધિકાર નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પ્રેસને સંબોધતા જણાવ્યું હતું કે, "UN જનરલ એસેમ્બલીમાં તુર્કિયેના રાષ્ટ્રપતિ દ્વારા ભારત અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અંગે કરવામાં આવેલી બિનજરૂરી ટિપ્પણીઓને ભારત નકારે છે. આ મામલો ભારતની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે જોડાયેલો છે, અને આ મુદ્દા પર કોઈપણ બાહ્ય પક્ષનો કોઈ અધિકાર કે ભૂમિકા નથી."
ઉલ્લેખનીય છે કે 24 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81માં સત્રને સંબોધતા એર્દોગને કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં એ જરૂરી છે કે કાશ્મીર મુદ્દા સહિત તમામ વિવાદોને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને સંબંધિત પ્રસ્તાવોના દાયરામાં વાતચીત દ્વારા ઉકેલવામાં આવે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની હાજરીમાં તેમણે આ વાત કરી હતી. એર્દોગને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે ફરી UNના મંચનો ઉપયોગ કર્યો હતો, જેની સામે ભારત સતત ત્રીજા પક્ષની દખલગીરીનો વિરોધ કરતું રહ્યું છે.
અલગથી, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે હોર્મુઝમાં ભારતીય ધ્વજ ધરાવતા 6 કોમર્શિયલ જહાજ છે, જ્યારે 6 વિદેશી ધ્વજવાળા જહાજો ભારત તરફ કાર્ગો લાવી રહ્યા છે. આ કુલ 12 જહાજોમાં 163 ભારતીય નાવિકો સવાર છે. આ ઉપરાંત અન્ય જહાજો પર 4500 જેટલા ભારતીય નાવિકો હાજર છે, અને શિપિંગ મંત્રાલય તેમની સુરક્ષા પર સતત નજર રાખી રહ્યું છે.