જાપાનના નાગોયામાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સ 2026ની સમાપ્તિ શનિવારે ક્લોઝિંગ સેરેમની સાથે થઈ. આ સેરેમનીમાં ભારતીય દળના નિશાદ કુમાર અને મોના અગ્રવાલે તિરંગો પકડ્યો હતો.
ભારતે આ ગેમ્સમાં 114 મેડલ જીત્યા છે, જે પેરા એશિયન ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલાં 2022ની હાંગઝોઉ ગેમ્સમાં ભારતે 108 મેડલ જીત્યા હતા. મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને રહ્યું.
ચીને 435 મેડલ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. યજમાન જાપાન 186 મેડલ સાથે બીજા અને ઉઝબેકિસ્તાન 145 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યું. દક્ષિણ કોરિયાએ 100 મેડલ જીત્યા અને પાંચમા સ્થાને રહ્યું. તેણે અંતિમ દિવસે 3 મેડલ જીત્યા, પરંતુ તેમાં માત્ર એક જ ગોલ્ડ હતો, જેથી ભારત ચોથા સ્થાને જ રહ્યું.
જાપાનમાં પ્રથમ વખત યોજાયેલી આ ગેમ્સમાં 45 દેશોના લગભગ 4,000 ખેલાડીઓ અને સ્ટાફે ભાગ લીધો હતો. એશિયન પેરા ગેમ્સની પ્રથમ આવૃત્તિ 2010માં ચીનના ગુઆંગઝાઉમાં યોજાઈ હતી. હવે 2030માં છઠ્ઠી એશિયન પેરા ગેમ્સની યજમાની દોહા કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પેરા એથ્લીટ્સને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે ખેલાડીઓની મહેનત, લગન અને આત્મવિશ્વાસે આ અસાધારણ સફળતા મેળવી છે. તેમનું પ્રદર્શન યુવાનોને પડકારોથી ન ડરવા, મોટા સપનાં જોવા, સમર્પણ સાથે મહેનત કરવા અને સકારાત્મક રહેવાની પ્રેરણા આપે છે.
નિશાદ કુમારે હાઈ જમ્પ અને લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. નિશાદ ટોક્યો અને પેરિસ પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ પણ જીતી ચૂક્યા છે.
મોના અગ્રવાલે આ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. તેમણે મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 સ્પર્ધામાં 250 પોઈન્ટ સાથે ગેમ્સ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન્સ SH1 સ્પર્ધામાં 357.5 પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો અને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો.