સપનાનું ઘર ખરીદવું એ જીવનનો સૌથી મોટો નિર્ણય હોય છે. જો તમે પણ 2026માં ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો રિયલ એસ્ટેટ બજારની વર્તમાન સ્થિતિ સમજવી જરૂરી છે. ‘નાઈટ ફ્રેન્ક ઇન્ડિયા’ (Knight Frank India)ના તાજેતરના રિપોર્ટ મુજબ, દેશના રિયલ એસ્ટેટ બજારમાં ભાવ ઘટાડાનો માહોલ નથી, પરંતુ ઘરો વેચાવાની ગતિ ધીમી પડી છે. બજારમાં નવા ઘરો મોટા પ્રમાણમાં બની રહ્યા છે, પરંતુ ખરીદદારો વધુ સમય લઈને સમજી-વિચારીને નિર્ણય લઈ રહ્યા છે.
વર્ષ 2026ના પ્રથમ નવ મહિનામાં દેશના ટોચના 8 શહેરોમાં કુલ 2,58,238 ઘરો વેચાયા હતા, જે ગયા વર્ષ જેટલા જ છે. પરંતુ તેની સામે 2,79,899 નવા ઘરોનું નિર્માણ થયું છે. નિર્માણમાં વાર્ષિક 4%નો વધારો થયો છે. ઘરોના નિર્માણ કરતાં વેચાણ ઓછું રહેતાં બજારમાં વણવેચાયેલા ઘરોની સંખ્યા વધી છે. પરિણામે, મકાન વેચાતા લાગતો સરેરાશ સમય 2025ના 5.8 ક્વાર્ટરથી વધીને 2026માં 6.1 ક્વાર્ટર થઈ ગયો છે. એટલે કે ઘરો વેચાઈ તો રહ્યા છે, પણ પહેલા કરતાં વધુ સમય લાગી રહ્યો છે.
બધા શહેરોની સ્થિતિ એકસરખી નથી. દિલ્હી-NCR એકમાત્ર એવું મોટું માર્કેટ છે જ્યાં વેચાણમાં 11%નો ઘટાડો નોંધાયો છે. ત્યાં 35,574 ઘરો વેચાયા છે. તેમાં પણ ₹5 કરોડથી ₹10 કરોડના પ્રીમિયમ ઘરોના વેચાણમાં 39%નો મોટો ઘટાડો થયો છે. NCRની કુલ ઇન્વેન્ટરીમાં 57% હિસ્સો ગુરુગ્રામનો છે.
બીજી તરફ, મુંબઈમાં 1%ના વધારા સાથે 72,804 ઘરો વેચાયા છે. બેંગલુરુમાં 5% (43,140 ઘરો), કોલકાતામાં 4%, હૈદરાબાદમાં 2% અને અમદાવાદમાં 2%નો વધારો થયો છે. પુણેનું માર્કેટ સ્થિર રહ્યું છે.
2026ના બજારમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ₹50 લાખથી ઓછી કિંમતના પરવડે તેવા (affordable) ઘરોના વેચાણમાં 14%નો ઘટાડો થયો છે અને ₹50 લાખથી ₹1 કરોડના ઘરોનું વેચાણ 5.9% ઘટ્યું છે. આની સામે પ્રીમિયમ ઘરોની માંગ મજબૂત છે. ₹1 કરોડથી ₹2 કરોડના ઘરોનું વેચાણ 6.8% વધ્યું છે અને ₹2 કરોડથી ₹5 કરોડના ઘરોના વેચાણમાં 19.4%નો ઉછાળો આવ્યો છે. આજે બજારમાં વેચાતા કુલ રહેણાંક ઘરોમાંથી 55% ઘરોની કિંમત ₹1 કરોડથી વધુ હોય છે.
વેચાણ ધીમું પડ્યું હોવા છતાં ઘરોના ભાવમાં ઘટાડો થયો નથી. મોટાભાગના શહેરોમાં વાર્ષિક ભાવમાં 3%થી 6%નો વધારો નોંધાયો છે. NCRમાં વેચાણ ઘટ્યું હોવા છતાં ભાવ વધ્યા છે; ગાઝિયાબાદમાં 14%, ગ્રેટર નોઈડામાં 11%, નોઈડામાં 7% અને ગુરુગ્રામમાં 4% જેટલા ભાવ વધ્યા છે.
અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ સતત પ્રગતિ કરી રહ્યું છે. વર્ષ 2026ના પ્રથમ અર્ધવાર્ષિક (H1) સમયગાળામાં અમદાવાદમાં 9,581 ઘરો વેચાયા હતા (2%નો વધારો) અને 11,077 નવા ઘરો લોન્ચ થયા હતા (3%નો વધારો). અમદાવાદમાં ઘરોની સરેરાશ કિંમત ₹51,974 પ્રતિ ચોરસ મીટર થઈ છે. ગિફ્ટ સિટી અને મોટેરાને કારણે ઉત્તર અમદાવાદમાં રિયલ એસ્ટેટ તેજીમાં છે.
રિયલ એસ્ટેટ બજારની આગળની દિશા આગામી તહેવારોની સિઝન અને ઓક્ટોબરમાં આવનારી RBIની પોલિસી પર નિર્ભર રહેશે.