વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે વર્લ્ડસ્કિલ્સ સ્પર્ધા 2026માં ભાગ લેનારા ભારતીય દળના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે સ્પર્ધકો સાથે વાતચીત કરી અને તેમના અનુભવો જાણ્યા હતા.
ચીનના શાંઘાઈમાં 22થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં ભારતે 10મું સ્થાન મેળવ્યું છે. ભારતે 6 સિલ્વર મેડલ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ 20 મેડલ મેળવ્યા છે. 2024માં ભારત 13મા સ્થાને હતું, જે હવે સુધરીને 10મા સ્થાને પહોંચ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે યુવાનો માટે પ્રેક્ટિકલ સ્કિલ્સ એટલી જ મહત્વપૂર્ણ છે, જેટલી શૈક્ષણિક ડિગ્રીઓ. તેમણે સ્કિલ ટ્રેનિંગ સંસ્થાઓને IIT અને IIM જેટલું જ મહત્વ આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે ટેક્નોલોજી ઝડપથી બદલાઈ રહી છે, તેથી યુવાનોએ સતત નવી સ્કિલ શીખવી જોઈએ, પોતાની ક્ષમતાઓને વધુ સારી બનાવવી જોઈએ અને ઊભરતી ટેક્નોલોજી અનુસાર પોતાને તૈયાર કરવો જોઈએ.
પીએમએ સહભાગીઓને તેમના અનુભવો અને સૂચનો સરકાર સાથે શેર કરવા કહ્યું, જેથી દેશની કૌશલ્ય પ્રશિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવી શકાય. તેમણે યુવાનો, સરકાર અને પ્રશિક્ષણ સંસ્થાઓએ સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો.
આ સ્પર્ધામાં ભારતે 6 સિલ્વર મેડલ જીત્યા છે. જેમાં સ્મૃતિ નામ્બિયાર (બેકરી), મોહમ્મદ સલામ (ડેન્ટલ પ્રોસ્થેટિક્સ), કોવિદ અજય ગંગરાડે (ડિજિટલ ઇન્ટરેક્ટિવ મીડિયા ડિઝાઇન), પાર્થ વોહરા (ઔદ્યોગિક ડિઝાઇન ટેક્નોલોજી), મહેરુન્નિસા બેગમ (લોજિસ્ટિક્સ એન્ડ ફ્રેટ ફોરવર્ડિંગ) અને સાનિયા જોશી (રિટેલ સેલ્સ)નો સમાવેશ થાય છે.
આ છ દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં 70 દેશોના 1,400થી વધુ યુવા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભારતનું પ્રતિનિધિત્વ અત્યાર સુધીના સૌથી મોટા 70 સ્પર્ધકોના દળે કર્યું હતું, જેમણે ઉભરતી ટેક્નોલોજી, પ્રોડક્શન, એન્જિનિયરિંગ, ક્રિએટિવિટી જેવી 63 ક્ષેત્રોમાં ભાગ લીધો હતો.
વર્લ્ડસ્કિલ્સ કોમ્પિટિશન 2026 યુવાનોની પ્રતિભાની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે. તેને સરળ ભાષામાં કૌશલ્યનું ઓલિમ્પિક પણ કહેવામાં આવે છે. આમાં અલગ-અલગ દેશોના યુવાનો પોતાની ટેક્નોલોજી અને બિઝનેસ કૌશલ્યનું પ્રદર્શન કરે છે. તેમાં માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ કોઈ કામ કેટલી કાર્યક્ષમતા અને ચોકસાઈથી કરી શકાય છે, તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે.