ભારતીય રસોડામાં દાળ, ભાત, રોટલી, શાક અને દૂધ જેવા પરંપરાગત ખોરાક રોજનો હિસ્સો છે. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે થાળી ભરીને જમવાથી શરીરને પૂરતું પોષણ મળે છે. પણ હકીકત અલગ છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા 'શહેરી ભારતમાં પ્રોટીન અને ફાઇબરની સ્થિતિ' (State of Protein and Fiber in Urban India) નામના વિસ્તૃત અહેવાલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટ દર્શાવે છે કે દેશની મોટી વસ્તી હજુ પણ પોતાની દૈનિક પ્રોટીનની મૂળભૂત જરૂરિયાત પૂરી કરી શકતી નથી. અહેવાલ મુજબ, ભારતના આશરે 73 ટકા લોકોને રોજના ખોરાકમાંથી પૂરતું પ્રોટીન મળતું નથી. એટલે કે આપણો ખોરાક માત્ર પેટ ભરવા પૂરતો રહી ગયો છે, તેમાં શરીરના સ્વસ્થ વિકાસ માટે જરૂરી પોષણનો અભાવ છે.
આ અભ્યાસ પેપ્સિકો ઇન્ડિયા અને યુરોમોનિટર ઇન્ટરનેશનલ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ રિસર્ચ (IIMR) ના સહયોગથી કરવામાં આવ્યો હતો. સર્વે દેશના 5 મોટા શહેરો — દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, કોલકાતા અને કોચીમાં થયો હતો, જેમાં શહેરી જીવનશૈલી અને આહારની ટેવોનું વિશ્લેષણ કરાયું છે.
સામાન્ય રીતે માનવામાં આવે છે કે શહેરોમાં રહેતા લોકોને વધુ સારું પોષણ મળે છે, પણ રિપોર્ટ કહે છે કે શહેરોમાં 44 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 36 ટકા લોકો પોતાની દૈનિક પ્રોટીન જરૂરિયાત પૂરી કરવામાં નિષ્ફળ જાય છે. આ તફાવત સ્પષ્ટ કરે છે કે સમસ્યા ફક્ત ખોરાકની ઉપલબ્ધતાની નથી, પણ ખોરાકની પસંદગી, વધતો ખર્ચ, પોષણ પ્રત્યેની જાગૃતિનો અભાવ અને બદલાતી દૈનિક ટેવો પણ એટલી જ જવાબદાર છે. ખાસ કરીને શહેરોમાં ફાસ્ટ-ફૂડ અને રેડી-ટુ-ઈટ વિકલ્પોના વધતા ચલણને કારણે પૌષ્ટિક આહાર જાળવવો મુશ્કેલ બન્યો છે.
સર્વેમાં સામે આવ્યું છે કે ઘણા શહેરી રહેવાસીઓ દરરોજ 41 ગ્રામથી પણ ઓછું પ્રોટીન લે છે. સર્વેમાં ભાગ લેનાર 60 ટકા લોકોએ કહ્યું કે પ્રોટીનયુક્ત ખોરાક બજારમાં ઘણો મોંઘો મળે છે, જ્યારે 57 ટકાએ વ્યસ્ત જીવનશૈલીમાં અનુકૂળ અને ઝડપી વિકલ્પોના અભાવને મુખ્ય કારણ ગણાવ્યું હતું. એટલે કે લોકો પ્રોટીનનું મહત્ત્વ સમજે છે, પણ તેને રોજના ભોજનમાં સરળતાથી અને સસ્તામાં કેવી રીતે સામેલ કરવું તે અંગે માર્ગદર્શનનો અભાવ અનુભવે છે.
નિષ્ણાતોના મતે, પ્રોટીનની ઉણપ પૂરી કરવા માટે બજારમાંથી મોંઘા પાઉડર કે ખાસ ખાદ્ય ઉત્પાદનો ખરીદવાની જરૂર નથી. આપણા ભારતીય રસોડામાં પહેલેથી જ સસ્તા અને ઉત્તમ વિકલ્પો છે, જેને થોડી પૂર્વવિચારણા સાથે ભોજનમાં સામેલ કરવામાં આવે તો પ્રોટીનની અછત સહેલાઈથી દૂર થઈ શકે છે. મગ, ચણા, રાજમા, સોયાબીન જેવા કઠોળ તેમજ દૂધ, દહીં, પનીર, ઈંડા, માછલી અને બદામ-અખરોટ જેવા સૂકા મેવા પ્રોટીનના સારા સ્રોત છે. શાકાહારી પરિવારો માટે વિવિધ કઠોળ, સોયા અને દૂધની બનાવટો ઉત્તમ વિકલ્પ બની શકે છે. રોજિંદા અનાજ સાથે કઠોળનું મિશ્રણ કરવાથી આહારમાં પ્રોટીનની માત્રા નોંધપાત્ર રીતે વધારી શકાય છે.
આ અહેવાલનું સૌથી ચિંતાજનક પાસું બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. રિપોર્ટ જણાવે છે કે દેશમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના દર 3 બાળકોમાંથી 1 બાળક કુપોષણનો શિકાર છે. આશરે 35 ટકા બાળકોનું વજન તેમની ઉંમરના પ્રમાણમાં ઓછું જોવા મળ્યું છે, જ્યારે 32 ટકા બાળકોના શારીરિક વિકાસમાં રુકાવટ નોંધાઈ છે. બાળપણના આ મહત્ત્વના તબક્કામાં પૂરતું પોષણ ન મળે તો તેની અસર માત્ર વર્તમાન સ્વાસ્થ્ય પર જ નહીં, પણ ભવિષ્યના શારીરિક વિકાસ, માનસિક અને શીખવાની ક્ષમતા પર પણ પડે છે. તેથી વાલીઓએ બાળકોના ભોજનમાં ખોરાકના જથ્થા કરતાં તેની ગુણવત્તા પર વધુ ધ્યાન આપવું જરૂરી છે.
આહારને વધુ સંતુલિત બનાવવા માટે રિપોર્ટમાં બાજરી અને અન્ય બરછટ અનાજ (Millets) ને ઉપયોગી વિકલ્પ તરીકે હાઈલાઈટ કરવામાં આવ્યા છે. જુવાર, બાજરી અને રાગી જેવા અનાજમાં ભરપૂર ફાઇબર અને શરીર માટે જરૂરી પોષક તત્ત્વો હોય છે. આ અનાજને દાળ, દૂધ, દહીં, ઈંડા કે અન્ય પ્રોટીનયુક્ત ખોરાક સાથે જોડીને ખાવાથી રોજનો આહાર વધુ સંતુલિત બને છે.