સત્ય. સાહસ. સંકલ્પ.

9 રાજ્યોમાં વીજળીની ભારે અછત, રાત્રે પાવર કાપનો ખતરો

9 રાજ્યોમાં વીજળીની ભારે અછત, રાત્રે પાવર કાપનો ખતરો

દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત બાદ હવે વીજળીનું સંકટ પણ ઊભું થયું છે. કોલસાથી વીજળીનું ઉત્પાદન વધ્યું છે, છતાં વધતી માંગ સામે પુરવઠો પહોંચી શકતો નથી. પરિણામે દેશના 9 રાજ્યોમાં વીજળીની અછત વર્તાઈ રહી છે.

રૉયટર્સના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2026માં દેશમાં વીજળીની ઘટ 56 કરોડ યુનિટ (560 મિલિયન kWh) સુધી પહોંચી છે. ઓગસ્ટ 2023 પછીની આ સૌથી મોટી અછત ગણાય છે. અસરગ્રસ્ત રાજ્યોએ કેન્દ્ર સરકારને વધારાની વીજળી આપવા વિનંતી કરી છે.

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હીમાં અછત નોંધપાત્ર છે. ખાસ કરીને મોડી રાત્રે માંગ વધે ત્યારે ગ્રીડ પર દબાણ વધી જાય છે. દિવસમાં સૌર ઊર્જાનો ટેકો મળે છે, પણ રાત્રે આ ટેકો રહેતો નથી.

આ સ્થિતિ પાછળ ત્રણ મુખ્ય કારણો મનાઈ રહ્યાં છે. પહેલું, ઓછા વરસાદને કારણે જળવિદ્યુત ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે. બીજું, કોલસા આધારિત પ્લાન્ટ્સમાં ઈંધણનો જથ્થો ઓછો છે અને કેટલાક પ્લાન્ટ્સ મેન્ટેનન્સમાં છે. સપ્ટેમ્બરમાં કોલસાથી વીજ ઉત્પાદનમાં 13.3 ટકાનો વધારો થયો હોવા છતાં ગ્રીડ ઇન્ડિયાના આંકડા પ્રમાણે દેશના લગભગ 47 ટકા કોલસા પ્લાન્ટ્સમાં ઈંધણનો જથ્થો નિર્ધારિત સ્તરના ચોથા ભાગ કરતાં પણ ઓછો બચ્યો છે. ત્રીજું કારણ સામાન્ય કરતાં વધુ ગરમી છે. એસી અને કૂલરનો વપરાશ વધ્યો છે અને ખેતરોમાં સિંચાઈ માટે પણ વીજળીની માંગ ઊંચી રહી છે.

સંકટ ટાળવા કેન્દ્ર અને રાજ્ય સરકારો સક્રિય થઈ છે. જરૂરિયાતમંદ રાજ્યોને વધારાની વીજળી આપવાની સાથે સ્થાનિક કોલસા ઉત્પાદન ઝડપી બનાવાઈ રહ્યું છે. સૌર ઊર્જાની બેટરી સ્ટોરેજ સિસ્ટમના ઉપયોગ પર પણ ભાર મુકાયો છે. જો માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર ચાલુ રહેશે તો કેટલાક રાજ્યોમાં અણધાર્યા પાવર કાપનો સામનો કરવો પડી શકે છે. ઊંચા ભાવે વીજળી ખરીદવાને કારણે વિતરણ કંપનીઓ પર આર્થિક બોજ પણ વધી શકે છે.