જાપાનના નાગોયામાં ચાલી રહેલી પેરા એશિયન ગેમ્સમાં બુધવારે ભારતે 3 ગોલ્ડ સહિત કુલ 9 મેડલ જીત્યા છે. આ સાથે ભારતના કુલ મેડલની સંખ્યા 44 થઈ ગઈ છે, જેમાં 12 ગોલ્ડ, 14 સિલ્વર અને 18 બ્રોન્ઝ સામેલ છે. મેડલ ટેબલમાં ભારત પાંચમા ક્રમે છે.
દિવસનો પહેલો ગોલ્ડ આયુષ વર્માએ મેન્સ શોટપુટ F53 ઇવેન્ટમાં જીત્યો. તેમણે પોતાના પાંચમા પ્રયાસમાં 8.16 મીટરનો શ્રેષ્ઠ થ્રો કર્યો. આ ગેમ્સમાં આયુષનો આ બીજો મેડલ છે; તેમણે એક બ્રોન્ઝ પણ જીત્યું છે. ઈરાનના અલીરેઝા હેમામીએ 8.09 મીટર સાથે સિલ્વર અને કઝાકિસ્તાનના મખામ્બેટ સેરિક્કલિયેવે 6.81 મીટર સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
F53 કેટેગરી એવા ખેલાડીઓ માટે છે જેમના ધડ અને પગની ગતિવિધિઓ પ્રભાવિત થઈ છે, અને જે બેસીને સ્પર્ધામાં ભાગ લે છે. આ કેટેગરીમાં હાથની પકડ પર ઓછી અસર થાય છે.
બીજો ગોલ્ડ પ્રવીણ કુમારે મેન્સ હાઈ જમ્પ T64માં જીત્યો. તેમણે 2.05 મીટરની છલાંગ લગાવીને પોતાનો જ અગાઉનો 2.02 મીટરનો ગેમ્સ રેકોર્ડ તોડ્યો. બંટીને 1.92 મીટરની પોતાની શ્રેષ્ઠ છલાંગ સાથે સિલ્વર મેડલ મળ્યો. T64 કેટેગરીમાં શરીરના નીચેના ભાગમાં દિવ્યાંગતા ધરાવતા ખેલાડીઓ કૃત્રિમ અંગનો ઉપયોગ કરીને ટ્રેક અને ફીલ્ડ સ્પર્ધાઓમાં ભાગ લે છે.
ત્રીજો ગોલ્ડ સચિન ખિલારીએ મેન્સ શોટપુટ F46માં જીત્યો. તેમણે સતત બીજી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જાળવી રાખ્યો છે. આ જ સ્પર્ધામાં મોહમ્મદ યાસેરે સિલ્વર અને પરવીને બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ત્રણેય મેડલ અપાવ્યા.
તીરંદાજીમાં શીતલ દેવી અને પાયલ નાગની જોડીએ પેરા કમ્પાઉન્ડ મહિલા ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો. ગોલ્ડ મેડલની મેચમાં ભારતીય જોડી ચીનની જોડી સામે 141–150થી હારી ગઈ. ભારતીય ખેલાડીઓએ મુકાબલામાં પાછળથી આવીને સરભરો કરવાનો પ્રયાસ કર્યો, પણ અંતર ઘટાડી શક્યાં નહીં.