વન-ડે વર્લ્ડ કપ 2027માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે ચાહકોમાં ભારે ઉત્સાહ છે. 10 ઓક્ટોબરે જોહાનિસબર્ગમાં યોજાનારી આ મેચની ટિકિટો માટે 84 લાખથી વધુ રજિસ્ટ્રેશન થયા છે, જ્યારે સ્ટેડિયમની ક્ષમતા માત્ર 34 હજાર છે. એટલે કે ઉપલબ્ધ બેઠકોની સરખામણીએ લગભગ 247 ગણી વધુ અરજીઓ આવી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અનુસાર, ભારત-પાકિસ્તાન મેચ માટે કુલ 83,97,294 ટિકિટ અરજીઓ મળી છે, જે વર્લ્ડ કપની કોઈપણ મેચમાં સૌથી વધુ છે. 21 નવેમ્બરે આ જ સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલ માટે 79,00,944 રજિસ્ટ્રેશન થયા છે.
વર્લ્ડ કપની ટિકિટો માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 21 નવેમ્બર 2026 સુધી ચાલુ રહેશે. પહેલાં રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને માગ વધુ હોવા પર કમ્પ્યુટરાઇઝ્ડ રેન્ડમ લોટરી દ્વારા ટિકિટ ખરીદવા માટે અરજદારોની પસંદગી કરવામાં આવશે. આ પહેલાં આવો-પહેલા પામોવાળી સિસ્ટમ નથી.
ICCને અત્યાર સુધી ટુર્નામેન્ટ માટે 193 દેશોમાંથી 12 કરોડથી વધુ ટિકિટ અરજીઓ મળી છે. સાઉથ આફ્રિકામાં યોજાનારી 41 મેચ માટે જ 10.5 કરોડથી વધુ અરજીઓ મળી છે. તેમાં યજમાન ટીમની મેચ માટે લગભગ 2.6 કરોડ અરજીઓ આવી છે.
વન-ડે વર્લ્ડ કપ 24 વર્ષ બાદ આફ્રિકાની ધરતી પર પરત ફરશે. સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા સંયુક્ત રીતે તેની યજમાની કરશે. ટુર્નામેન્ટમાં 14 ટીમ ભાગ લેશે અને 12 સ્થળો પર કુલ 57 મેચ રમાશે. વર્લ્ડ કપ માટેના 12 સ્થળોમાંથી 8 સાઉથ આફ્રિકા, 3 ઝિમ્બાબ્વે અને 1 નામિબિયામાં છે. નામિબિયા પહેલીવાર મેન્સ સિનિયર વર્લ્ડ કપની મેચની યજમાની કરશે. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે આ પહેલાં 2003ના વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યા છે.
ક્રિકેટમાં અગાઉ પણ લોટરીથી ટિકિટો વહેંચવામાં આવી છે. 2011 વન-ડે વર્લ્ડ કપમાં ભારતમાં સેમિફાઇનલ અને ફાઇનલની ટિકિટો માટે ICCએ પબ્લિક બેલટ સિસ્ટમ અપનાવી હતી, પરંતુ વેબસાઇટ પર ભારે ટ્રાફિકને કારણે ટિકિટ વેચાણમાં મુશ્કેલી આવી હતી. 2016 T20 વર્લ્ડ કપમાં ભારતની મેચ, સેમિફાઇનલ અને ફાઇનલની ટિકિટો માટે લૉટરી સિસ્ટમ રાખવામાં આવી હતી. 2019 વન-ડે વર્લ્ડ કપમાં ICCએ બે તબક્કામાં ટિકિટ બેલટ કરાવ્યું હતું, જેમાં પહેલાં ક્રિકેટ ફેમિલી બેલટ અને ત્યારબાદ પબ્લિક બેલટનો સમાવેશ થતો હતો. 2024 T20 વર્લ્ડ કપમાં ICCએ પબ્લિક ટિકિટ બેલટ કરાવ્યું હતું, જેમાં ભારત-પાકિસ્તાન મેચ માટે પણ ટિકિટોની માગ ઉપલબ્ધ બેઠકો કરતાં 200 ગણી વધારે હતી.