સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે કાશ્મીર મુદ્દે ખોટા દાવા કર્યા બાદ ભારતે તેનો સખત જવાબ આપ્યો છે. ભારત તરફથી ભારતીય વિદેશ સેવા (IFS)ના વરિષ્ઠ અધિકારી પેટલ ગેહલોતે જવાબ આપ્યો હતો, જેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનમાં ફર્સ્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.
ગેહલોતે પાકિસ્તાન દ્વારા કબજે કરાયેલા કાશ્મીર (PoK), ઓસામા બિન લાદેનને આશ્રય આપવા અને આતંકવાદ ફેલાવવા જેવા મુદ્દે પાકિસ્તાનને ઘેર્યું હતું. તેમણે કહ્યું કે આ તે જ પાકિસ્તાન છે જેની લશ્કરી અકાદમી નજીક ઓસામા બિન લાદેન છુપાયેલો રહેતો હતો. તેમણે નોંધ્યું કે આ ભાષણ 9/11ના હુમલાની 25મી વર્ષગાંઠના થોડા અઠવાડિયા પછી આપવામાં આવ્યું છે, જે હુમલાનું કાવતરું ઓસામા બિન લાદેને ઘડ્યું હતું.
ધાર્મિક અસહિષ્ણુતા અને લઘુમતીઓ સાથેના વ્યવહાર અંગે પણ ગેહલોતે પાકિસ્તાનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ નિવેદન તે લોકો તરફથી આવ્યું છે જેમનો નફરત અને કટ્ટરવાદનો લાંબો ઇતિહાસ રહ્યો છે. તેમના મતે, આ લોકો દિવસ દરમિયાન સુરક્ષાની વાત કરે છે, પરંતુ રાત્રે આતંકવાદ ફેલાવે છે.
પેટલ ગેહલોત જુલાઈ 2023થી આ જવાબદારી સંભાળી રહ્યાં છે. તેઓ માત્ર રાજદ્વારી જ નથી, પણ ઇન્ટરપ્રિટર, અનુવાદક અને સંગીત સાથે પણ જોડાયેલા છે. તેમની વ્યાવસાયિક પ્રોફાઇલમાં વાટાઘાટો અને ભાષા અર્થઘટનની કુશળતા મુખ્ય છે.
સપ્ટેમ્બર 2024થી સપ્ટેમ્બર 2025 સુધી ગેહલોતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષની ઓફિસમાં સલાહકાર તરીકે કામ કર્યું હતું. આ પહેલાં જૂન 2020થી જુલાઈ 2023 સુધી તેઓ ભારતના વિદેશ મંત્રાલયમાં અન્ડરસેક્રેટરીના પદ પર રહ્યાં હતાં. આ અનુભવે તેમને આંતરરાષ્ટ્રીય કૂટનીતિ અને બહુપક્ષીય મંચો પર કામ કરવાની તક આપી છે.
શૈક્ષણિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો, ગેહલોતે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સ, સોશિયોલોજી અને ફ્રેન્ચ લિટરેચરમાં BA કર્યું છે. ત્યારબાદ દિલ્હીની લેડી શ્રીરામ કોલેજ ફોર વુમનમાંથી પોલિટિકલ સાયન્સ એન્ડ ગવર્નમેન્ટમાં MA કર્યું છે. ભાષા અને અર્થઘટનમાં નિપુણતા માટે તેમણે અમેરિકાની મિડલબરી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ એટ મોન્ટેરીમાંથી લેંગ્વેજ ઇન્ટરપ્રિટેશન એન્ડ ટ્રાન્સલેશનમાં MA કર્યું છે. તેમની કુશળતામાં કન્સિક્યુટિવ અને સિમલ્ટેનિયસ ઇન્ટરપ્રિટેશનનો સમાવેશ થાય છે.
કોલેજ દરમિયાન તેઓ ઇન્ડિયન મ્યુઝિક ગ્રુપ અને મલ્હાર જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યાં. આમ, પેટલ ગેહલોતની પ્રોફાઇલમાં કૂટનીતિ, ભાષાકીય કુશળતા, વાતચીતની ક્ષમતા અને સંગીત—ચાર અલગ-અલગ ક્ષેત્રોનો સંગમ જોવા મળે છે.