સત્ય. સાહસ. સંકલ્પ.

અંડર-19 એશિયા કપ ફાઇનલમાં ભારત સામે પાકિસ્તાનની આક્રમક શરૂઆત, 8 ઓવરમાં 62 રન વિના વિકેટે

અંડર-19 એશિયા કપ ફાઇનલમાં ભારત સામે પાકિસ્તાનની આક્રમક શરૂઆત, 8 ઓવરમાં 62 રન વિના વિકેટે

ભારત અને પાકિસ્તાનની અંડર-19 ટીમો વચ્ચે એશિયા કપની ફાઇનલ મેચ ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

મેચમાં પાકિસ્તાની ઓપનરોએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી છે. 8 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર વિના વિકેટે 62 રન છે. ઉસ્માન ખાન અને હયામ ખાન ક્રિઝ પર છે. ઉસ્માન ખાને 12 બોલમાં 14 રન બનાવ્યા છે, જ્યારે હયામ ખાન 6 બોલમાં 8 રન પર રમી રહ્યો છે.

ત્રીજી ઓવરમાં પાકિસ્તાને 14 રન ફટકાર્યા. ઉસ્માન ખાને ભારતીય બોલર મોહિત ઉલ્વાની ઓવરમાં ત્રણ ચોગ્ગા લગાવ્યા. તેણે પહેલા જ બોલ પર મિડ ઑફની જમણી બાજુ ચોગ્ગો ફટકાર્યો, પછી પાંચમા બોલ પર પુલ શોટ રમીને મિડવિકેટ પાસેથી બાઉન્ડરી મેળવી. છેલ્લા બોલ પર બેટની બહારની કિનાર લાગી, પરંતુ બોલ સ્લિપ પાસેથી બાઉન્ડરી સુધી પહોંચી ગયો.

બીજી ઓવરમાં પાકિસ્તાને 8 રન બનાવ્યા હતા. કાવ્ય પટેલની ઓવરમાં હયામ ખાને બે ચોગ્ગા ફટકાર્યા. ત્રીજા બોલ પર તેણે સુંદર કવર ડ્રાઇવ રમીને બાઉન્ડરી મેળવી, જ્યારે છઠ્ઠા બોલ પર બેટની બહારની કિનાર કવર-પોઇન્ટ અને બેકવર્ડ પોઇન્ટ વચ્ચેથી ચાર રન માટે નીકળી ગઈ.

ટૉસ વખતે ભારતીય કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ કહ્યું કે તેઓ પહેલા બોલિંગ કરવા માંગતા હતા અને ટૉસ હારીને ખુશ છે. તેમણે જણાવ્યું કે ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઈશાન સૂદને નાની ઈજા થઈ છે, તેથી તેની જગ્યાએ ચિગુરૂપતિ વેંકટને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને પોતાની પ્લેઇંગ-11માં કોઈ બદલાવ કર્યો નથી.

પાકિસ્તાનના કેપ્ટન ફરહાન યુસુફે કહ્યું કે પીચ બેટિંગ માટે સારી દેખાઈ રહી છે, તેથી તેઓ પહેલા બેટિંગ કરવા માંગતા હતા. તેમણે ઉમેર્યું કે ટીમનું પૂરું ધ્યાન ફાઇનલ પર છે અને તેઓ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતર્યા છે.

ભારતીય ટીમ: લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, વીકે વિનીથ, યશવર્ધન ચૌહાણ, અર્જુન રાજપૂત, અન્વય દ્રવિડ (વિકેટકીપર), મનલ ચૌહાણ, મોહિત ઉલ્વા, આર્યન સવસાણી, કાવ્ય પટેલ અને ચિગુરૂપતિ વેંકટ.

પાકિસ્તાની ટીમ: ઉસ્માન ખાન, હયામ ખાન, અબ્દુલ કાદિર, ફરહાન યુસુફ (કેપ્ટન), અહમદ હુસૈન, અલી રઝા, હમઝા ઝહૂર (વિકેટકીપર), હસનૈન અબ્બાસ ડાર, મોહમ્મદ સૈયામ, રિઝવાનુલ્લાહ અને નકાબ શફીક.

આ ટુર્નામેન્ટમાં ભારત તરફથી આર્યવીર સેહવાગ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેમણે 4 મેચમાં 303 રન બનાવ્યા છે. તેમની સરેરાશ 101 અને સ્ટ્રાઈક રેટ 95.58 છે. તે એક સદી અને બે ફિફ્ટી ફટકારી ચૂક્યા છે. લક્ષ્ય રાયચંદાનીએ 163 રન અને વીકે વિનીથે 132 રન બનાવ્યા છે. બોલિંગમાં ઈશાન સૂદે 4 મેચમાં 35 ઓવર નાખીને 134 રન આપીને 11 વિકેટ ઝડપી છે. પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાન 238 રન બનાવી ચૂક્યો છે.

બંને ટીમો અગાઉ અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ત્રણ વખત સામસામે આવી છે. 2012માં ફાઇનલ ટાઈ રહી હતી અને બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. 2013-14માં ભારતે પાકિસ્તાનને 40 રને હરાવીને ખિતાબ જીત્યો હતો, જ્યારે 2025માં પાકિસ્તાને ભારતને 191 રને હરાવીને ટ્રોફી જીતી હતી.

આ ઉંમર જૂથમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 31 મેચ રમાઈ છે. ભારતે 17 અને પાકિસ્તાને 13 મેચ જીતી છે, જ્યારે એક મેચ ટાઈ રહી હતી. જોકે ટુર્નામેન્ટની છેલ્લી પાંચ મેચોમાં પાકિસ્તાનને 3 અને ભારતને 2 જીત મળી છે.

ભારતે સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે પાકિસ્તાને બાંગ્લાદેશને 9 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી.