અંડર-19 એશિયા કપ 2026માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાને 3 વિકેટે જીત મેળવી છે. અલ અમરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા 46.3 ઓવરમાં 208 રન બનાવ્યા હતા. ભારત માટે અર્જુન રાજપૂતે 85 બોલમાં 107 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
208 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાને 61 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ઉસ્માન ખાન 16, જહાંગીર બિલાલ 05, અબ્દુલ કાદિર 20, અહેમદ હુસૈન 08 અને કેપ્ટન ફરહાન યુસુફ 02 રન બનાવીને આઉટ થયા હતા. જોકે, સાતમા નંબરે બેટિંગ કરવા આવેલા વિકેટકીપર બેટ્સમેન હમઝા ઝહૂરે 108 બોલમાં અણનમ 100 રનની ઈનિંગ રમીને ટીમને જીત અપાવી. હસનૈન અબ્બાસ ડારે 67 બોલમાં 38 રનની ઈનિંગ રમી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. પાકિસ્તાને 11 બોલ બાકી રહેતા લક્ષ્યાંક પૂરો કર્યો હતો.
ભારત માટે બોલિંગમાં મનલ ચૌહાણે 3 વિકેટ ઝડપી હતી, જ્યારે મોહિત ઉલ્વાએ 2 વિકેટ લીધી હતી. ઈશાન સૂદ અને કાવ્ય પટેલને એક-એક વિકેટ મળી હતી.
આ મેચમાં ભારતની હારથી ચાહકોને નિરાશા થઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચોમાં ભારતનું પલ્લું ભારે રહ્યું છે, પરંતુ આ વખતે પાકિસ્તાને શાનદાર વાપસી કરીને જીત મેળવી લીધી.