અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને આવી છે. 14 નવેમ્બરે ટાઈટલ મેચ રમાશે. ગુરુવારે ઓમાનના મસ્કતમાં રમાયેલી બંને સેમિફાઈનલમાં ભારત અને પાકિસ્તાને સરળ જીત મેળવીને ફાઈનલમાં સ્થાન પક્કું કર્યું.
પહેલી સેમિફાઈનલમાં ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતાં 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા, જેનો સામનો કરવા ઉતરેલી ભારતીય ટીમે 36.5 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય પૂરું કરી લીધું.
ભારત તરફથી આર્યવીર સેહવાગે 57 બોલમાં 51 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ 93 રનની ઇનિંગ રમી. વી. કે. વિનીત 57 રન બનાવીને અણનમ રહ્યો અને તેણે છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી.
અફઘાનિસ્તાન તરફથી નુમાન સલારઝઈ અને શાહ ફૈઝલ રહીમીએ 51-51 રનની ઇનિંગ્સ રમી હતી. શાહ ફૈઝલે 72 બોલમાં 51 રન બનાવ્યા. ભારત તરફથી ઈશાન સૂદે સૌથી વધુ 3 વિકેટ લીધી. તેણે 9 ઓવરમાં 43 રન આપ્યા. આર્યન સવસાણીએ 29 રન આપીને 2 વિકેટ ઝડપી, જ્યારે કાવ્ય પટેલ, યશવર્ધન ચૌહાણ અને અર્જુન રાજપૂતને એક-એક વિકેટ મળી.
બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 9 વિકેટથી માત આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. હવે 14 નવેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટાઈટલ માટે ટક્કર થશે.