ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ગુરુવારે ઓમાનના મસ્કતમાં રમાયેલી સેમિફાઇનલમાં ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું. બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 9 વિકેટથી માત આપી. હવે 14 નવેમ્બરે ટાઇટલ મેચમાં ભારતનો સામનો પાકિસ્તાન સામે થશે.
અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 227 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 36.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 228 રનનો ટાર્ગેટ પૂરો કર્યો. ભારત માટે આર્યવીર સેહવાગે 57 બોલમાં 51 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ 93 રનની ઇનિંગ રમી. વી.કે. વિનીત 57 રન બનાવીને નોટઆઉટ રહ્યો અને તેણે છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી.
અફઘાનિસ્તાન તરફથી નુમાન સલારઝઈ અને શાહ ફૈઝલ રહીમીએ 51-51 રનની ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી ઈશાન સૂદે સૌથી વધુ 3 વિકેટ લીધી, જ્યારે આર્યન સવસાણીએ 2 વિકેટ ઝડપી. કાવ્ય પટેલ, યશવર્ધન ચૌહાણ અને અર્જુન રાજપૂતને 1-1 વિકેટ મળી.