ભારતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની આગામી બેઠક માટે પાકિસ્તાનને આમંત્રણ મોકલ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ આમંત્રણ સંગઠનની નિયમિત પ્રક્રિયાનો ભાગ છે, કારણ કે પાકિસ્તાન SCOનું સભ્ય દેશ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે 28 ઓક્ટોબરના રોજ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે SCOની બેઠક માટે તમામ સભ્ય અને સહયોગી દેશોને આમંત્રણ પાઠવવામાં આવે છે. આ એક નિયમિત વહીવટી પ્રક્રિયા છે. પાકિસ્તાન સભ્ય દેશ હોવાથી તેને પણ આમંત્રણ મળ્યું છે.
ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય સંબંધો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન પ્રત્યે ભારતની નીતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર આ સ્તરનું આમંત્રણ ગયું હોવા છતાં, પાકિસ્તાન સાથેના સંબંધો અંગે ભારતનું વલણ અગાઉની જેમ કડક જ છે.
વિદેશ મંત્રાલયે ફરી પુનરોચ્ચાર કર્યો કે આ આમંત્રણ બહુપક્ષીય સંમેલન માટે છે અને તેને ભારતની કૂટનીતિક નીતિમાં પરિવર્તન તરીકે ન જોવું જોઈએ. SCO વિદેશ મંત્રીઓની બેઠક બાદ પાકિસ્તાનના વરિષ્ઠ મંત્રીને આમંત્રણ મળ્યું છે, જે આંતરરાષ્ટ્રીય મંચના શિષ્ટાચારનો ભાગ છે, દ્વિપક્ષીય વાટાઘાટોની શરૂઆત નથી.